Retail Inflation : કોરોના મહામારીને કારણે દેશના વિવિધ રાજ્યોમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉન અને પ્રતિબંધોની સીધી અસર દેશના અર્થતંત્ર પર પડી છે. દેશમાં જનતાએ એક બાજુ કોરોના મહામારીનો પ્રકોપ સહન કરવો પડી રહ્યો છે તો બીજી બાજુ મોંઘવારીનો માર પણ પડી રહ્યો છે. દેશમાં જથ્થાબંધ મોંઘવારી દર વધ્યો છે તો સાથે છૂટક મોંઘવારીએ પણ 6 મહિનાનો રેકોર્ડ તોડ્યો છે.
છૂટક મોંઘવારી દર 6.30 ટકા થયો
દેશના સામાન્ય માણસ માટે આજે એક જ દિવસમાં ઝટકો આપનાર બે સમાચાર સામે આવ્યાં છે. આજે 14 જૂને સવારે જાહેર થયેલા આંકડા મૂજબ જથ્થાબંધ મોંઘવારી (Wholesale Inflation) નો દર 12.94 ટકાની વિક્રમી સપાટીએ પહોંચી ગયો છે.
આ સાથે જ છૂટક મોંઘવારી ( Retail Inflation)દરમાં પણ વધારો થયો છે. એપ્રિલ-2021માં છૂટક મોંઘવારી દર 4.23 ટકા હતો જે મે-2021માં વધીને 6.30 ટકા થયો છે.એપ્રિલ મહિનામાં ખાદ્ય ચીજોનો છૂટક મોંઘવારી દર 1.96 ટકા હતો જે મે-2021માં વધીને 5.01 થયો છે.
મોંઘવારીએ તોડ્યો 6 મહિનાનો રેકોર્ડ
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મૂજબ દેશમાં મોંઘવારીએ 6 મહિનાનો રેકોર્ડ તોડ્યો છે. છૂટક મોંઘવારી ( Retail Inflation) દર જાન્યુઆરીમાં 4.06 ટકા, ફેબ્રુઆરીમાં 5.52 ટકા, માર્ચમાં 4.29 ટકા, એપ્રિલમાં 4.23 ટકા રહ્યો હતો. મે-2021 માં છૂટક મોંઘવારી દર 5.39 ટકા રહેવાનો અંદાજ હતો. જેને બદલે મે-2021 માંમોંઘવારીએ 6 મહિનાઓ રેકોર્ડ તોડ્યો છે.
જથ્થાબંધ મોંઘવારી પણ રેકોર્ડ સ્તરે
ક્રૂડ ઓઇલ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાને લીધે એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી (Wholesale Inflation) દર 10.49 ટકા પર પહોંચી ગયો હતો. જે માર્ચની તુલનામાં 7.39 ટકા હતો. પરંતુ હવે ફુગાવાનો દર મે મહિનામાં વિક્રમી સપાટીએ પહોંચી ગયો છે.
વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર માર્ચમાં જથ્થાબંધ મોંઘવારી દર માત્ર 3.1 ટકા હતો જ્યારે ફેબ્રુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી દર 4.17 ટકા હતો.
ડેટા જાહેર કરતાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું હતું કે મે 2020 ની તુલનામાં ક્રૂડ પેટ્રોલિયમ, પેટ્રોલ, ડીઝલ, નેપ્થા, ફર્નેસ ઓઇલ જેવા ખનિજ તેલ અને ઉત્પાદનોના ઉંચા દરને કારણે મે-2021 માં જથ્થાબંધ મોંઘવારી વધી છે.
આ વસ્તુઓમાં વધી મોંઘવારી
1.ખાદ્ય વસ્તુઓમાં 5.01 ટકા મોંઘી થઇ
2.વીજળી અને ઈંઘણમાં મોંઘવારી એપ્રિલમાં 7.91 ટકા હતી જે, મેં માં વધીને 11.68 ટકા થઇ.
3.હાઉસીંગ સેક્ટરમાં મોંઘવારી 3.73 ટકાથી વધીને 3.86 ટકા થઇ.
4.પગરખાઓમાં મોંઘવારી વધીને 5.32 ટકા થઇ.
5.વિવિધ દાળમાં મોંઘવારી 7.51 ટકાથી વધીને 9.39 ટકા થઇ.
Published On - 8:26 pm, Mon, 14 June 21