1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાના બજેટમાં 300 યુનિટ મફત વીજળી માટેની યોજના લોન્ચ કરી હતી. હવે ઝારખંડ સરકારે તેના સ્થાનિક ગ્રાહકો માટે મફત વીજળીની મર્યાદા વધારવાની જાહેરાત કરી છે. રાજ્યના નવા મુખ્યમંત્રી ચંપાઈ સોરેને આ મર્યાદાને વર્તમાન 100 યુનિટ પ્રતિ માસથી વધારીને 125 યુનિટ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ચંપાઈ સોરેને ઉર્જા વિભાગને આ અંગે પ્રસ્તાવ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે.
ઝારખંડ સરકાર તરફથી એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોને હવે 100 યુનિટને બદલે 125 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે લોકોના આર્થિક બોજને ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકારે 2022માં 100 યુનિટ મફત વીજળીની યોજના શરૂ કરી હતી.
આ યોજના દર મહિને 100 યુનિટ વીજ વપરાશના ઘરેલું જોડાણો માટે લાગુ પડે છે. અગાઉ 2 ફેબ્રુઆરીએ ઝારખંડના મુખ્ય પ્રધાન બનેલા ચંપાઈ સોરેને પણ તમામ વિભાગોને તેમના બજેટ ખર્ચને વેગ આપવા જણાવ્યું હતું જેથી ચાલુ નાણાકીય વર્ષના લક્ષ્યાંકો હાંસલ કરી શકાય.
બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે એક કરોડ ઘરોની છત પર સોલાર પેનલ લગાવવાની જાહેરાત કરી હતી. જે મુજબ લાભાર્થીઓને 300 યુનિટ સુધી મફત વીજળી મળશે અને વાર્ષિક 18,000 રૂપિયા સુધીની બચત થશે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી આર.કે સિંહે કહ્યું હતું કે એક કરોડ પરિવારોના ઘરોની છત પર સોલાર પેનલ લગાવવામાં આવશે.
ઈન્સ્ટોલેશનથી લઈને મેઈન્ટેનન્સ સુધીનું કામ સરકાર કરશે. આર.કે સિંહે કહ્યું કે સરકાર 3 કિલોવોટ સુધી 40 ટકા સબસિડી આપી રહી છે, જેને વધારીને 60 ટકા કરવામાં આવશે. છત પર જે સોલાર સિસ્ટમ લગાવવામાં આવશે તે 300 યુનિટથી વધુ વીજળી ઉત્પન્ન કરશે. આ વધારાની વીજળીથી જાહેર ક્ષેત્રની કંપનીઓ લોનની ચુકવણી કરી શકશે.