
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં દેશની જાહેર ક્ષેત્રની બેંકોમાં કામ કરતા કર્મચારીઓ માટે મોટા સારા સમાચાર આપી શકે છે જોકે આ સમાચાર સામાન્ય લોકો માટે માથાનો દુખાવો બની શકે છે. તમને જણાવી દઈએ કે સરકાર જાહેર ક્ષેત્રની બેંકોમાં દર શનિવારે રજા જાહેર કરવાનુ વિચારી રહી છે. ઈન્ડિયન બેંક્સ એસોસિએશને સરકારને એક પ્રસ્તાવ રજૂ કર્યો છે.
જેમાં દેશની તમામ બેંકોમાં દર શનિવારે રજા જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડના જણાવ્યા અનુસાર IBA દ્વારા આ પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. જો સરકાર આ પ્રસ્તાવને સ્વીકારી લેશે તો દર અઠવાડિયે માત્ર પાંચ દિવસ બેંકોમાં કામકાજ ચાલુ રહશે અને શનિવાર અને રવિવારે બેંકો બંધ રહશે.
હકીકતમાં, સરકારી અને ખાનગી બેંકો દ્વારા અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવાની ઘણા સમયથી માગ કરી રહ્યા હતા. સાર્વજનિક ક્ષેત્રની બેંકોએ સરકાર સમક્ષ ઘણી વખત આ માંગણી કરી છે. રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડે કહ્યું કે ઇન્ડિયન બેંક્સ એસોસિએશને સરકારને એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. દરખાસ્ત દર અઠવાડિયે પાંચ દિવસ કામ કરવાની માગ કરે છે. બેંકોની માગ છે કે દર શનિવાર અને રવિવારે બેંક હોલીડે જાહેર કરવામાં આવે.
તમને જણાવી દઈએ કે હાલમાં તમામ બેંકોમાં મહિનામાં માત્ર બે શનિવારે જ રજા હોય છે. વર્ષ 2015માં લાગુ કરાયેલા નિયમ મુજબ મહિનામાં માત્ર બે શનિવાર જ બેંકો બંધ રહેશે. સરકારનો આ આદેશ તમામ ખાનગી અને સરકારી બેંકોને લાગુ પડશે. કોઈપણ બેંક બે શનિવારથી વધુ બંધ રહેશે નહીં.
જણાવવામાં આવી રહ્યું છે કે શનિવારે રજાની સાથે કેન્દ્ર સરકાર કર્મચારીઓના પગાર વધારવાનો નિર્ણય પણ લઈ શકે છે. બેંક કર્મચારીઓના પગારમાં 15 થી 20 ટકાનો વધારો થઈ શકે છે. જો કે સરકાર તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
Published On - 3:21 pm, Wed, 6 December 23