રાજ્યવાસીઓ હાલ વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. કાળઝાળ ગરમીમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો વિચારી રહ્યા છે કે આખરે ગરમીમાંથી રાહત ક્યારે મળશે. તો આપને જણાવી દઈએ કે આજથી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા આજથી સાત દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે ચોમાસા પહેલાં જ રાજ્યમાં ચોમાસા જેવાં માહોલના એંધાણ વર્તાઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર પ્રિ મોન્સુન એક્ટિવિટીને લીધે રાજ્યમાં આજથી સાત દિવસ સુધી અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. અને તેને લીધે કાળઝાળ ગરમીથી પણ લોકોને રાહત મળશે.
કેટલાંક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસે તેવું પણ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. 6 થી 9 જૂન દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદી ઝાપટા પડી શકે છે. તારીખ 10 જૂન અને 11 જૂનના રોજ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 12 જૂનના રોજ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 15 જૂનના રોજ ગુજરાતમાં ચોમાસું બેસવાની આગાહી કરાઈ હતી. ત્યારે પ્રિમોન્સુન એક્ટિવિટીને પગલે રાજ્યમાં વહેલા જ વરસાદી માહોલ જામી રહ્યો છે.
10 જૂને દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીરસોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે. એટલે કે 10 જૂન સુધીમાં જ વરસાદ રાજ્યના મોટાભાગના જિલ્લાઓને આવરી શકે છે.
આ પણ વાંચો: NDAના ઘટકદળોની બેઠકમાં પીએમ મોદીનો વિપક્ષ પર કટાક્ષ, EVM જીવે છે કે મરી ગયુ!- વાંચો
Published On - 5:18 pm, Fri, 7 June 24