સાબરકાંઠા બેઠક પર ભાજપનો માહોલ બગાડવામાં કોની ભૂમિકા? રમણ વોરાએ સંભાળ્યો ‘મોરચો’

| Updated on: Mar 27, 2024 | 4:41 PM

સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ભાજપે ઉમેદવાર બદલીને મહિલાને ટિકિટ આપી છે. પ્રાથમિક શિક્ષિકા શોભનાબા બારૈયાને ટિકિટ આપી છે. જેને લઈ સ્થાનિક સાબરકાંઠાના કેટલાક આગેવાનો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જેમાં કેટલાક કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અને કેટલાક એકના એક વિરોધકર્તાઓ કે જે દર વખતે ઉમેદવારોનો વિરોધ કરે છે એમને લઈ રમણલાલ વોરાએ ઝાટકણી નિકાળી હતી.

સાબરકાંઠા જિલ્લા ભાજપ દ્વારા લોકસબા બેઠકના સંયોજક દુષ્યંત પંડ્યાની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. નાના હોલમાં યોજાયેલી બેઠકને લઈ કેટલાક આગેવાનોને બહાર બેસવાનો ચણભણાટ શરુ થયો હતો. તો કેટલાક રજૂઆત કર્તાઓ પણ વિરોધમાં સૂત્રોચ્ચાર સાથે પહોંચ્યા હતા. જેઓએ સૂત્રોચ્ચાર કરવાને લઈ માહોલ ગરમાયો હતો.

રમણ વોરાએ વિખેર્યુ ટોળુ

આ દરમિયાન સંયોજક અને જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ જિલ્લાના સિનિયર ભાજપના ધારાસભ્ય રમણ વોરા રજૂઆત સાંભળવા માટે બેઠકમાંથી બહાર આવ્યા હતા. જેઓએ રજૂઆત સાંભળવાની શરુઆત કરતા જિલ્લા પંચાયતની સમિતિના ચેરમેન અનસૂયાબેને આગેવાની લઇ વિરોધની રજૂઆત કરી હતી. જેને લઈ રમણલાલ વોરાએ પૂછ્યું હતુ કે, ભાજપમાં ક્યારે જોડાયા હતા, તમે થોડા મહિના પહેલા ક્યાં હતા.

આ પણ વાંચો: સાબરકાંઠાઃ ભાજપના ઉમેદવાર શોભના બારૈયાનો દાવો, ભીખાજી ઠાકોરના મને આશીર્વાદ

તો બીજા એક આગેવાને પણ પોતાની ઓળખ બતાવીને ગુસ્સાથી બોલતા રમણ વોરાએ તેમને સવાલ કર્યો હતો કે, અગાઉ પણ સાંસદ દીપસિંહ રાઠોડની ઉમેદવાર કરવાને લઈ વિરોધ કરવા તમે જ ગયા હતા. આમ દરેક વખતે તમને ઉમેદવાર પસંદ નથીની વાત છે. આમ રમણ વોરાએ મામલો થાળે પાડવાનો મોરચો સંભાળ્યો હતો અને એક બાદ એક સૌથી વધુ ઉંચા અવાજે રજૂઆત કરનારને તેઓએ સવાલો કરીને મામલો થાળે પાડતા ટોળા સ્વરુપ આવેલા જૂથને વિખેરી નાંખ્યું હતુ. જૂથની સાથે ટિકિટની માંગણી કરનાર રેખાબેન ઝાલા પણ સામેલ જોવા મળતા ભાજપના હોદ્દેદારો પણ ચોંકી ઉઠ્યા હતા. તો આ પ્રકારના દ્રશ્યોની પાછળ કોની ભૂમિકા છે તેને લઈ ભાજપે હવે સંશોધન શરુ કર્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Published on: Mar 27, 2024 03:43 PM