ગુજરાતમાં હાલ ભલે મેઘરાજાએ વિરામ લીધો હોય, પરંતુ આગામી દિવસોમાં ગુજરાતમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. 21 ઓગસ્ટ બાદ રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતથી લઇને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મૂશળધાર વરસાદ વરસી શકે છે. 21 ઓગસ્ટથી લઇને 30 ઓગસ્ટ સુધી ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.તો આજે રાજ્યના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.
હવામાન વિભાગ અનુસાર નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ખાબકી શકે છે. આજે રાજ્યના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારમાં હજુ પણ છૂટાછવાયા હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ત્યારબાદ 21 ઓગસ્ટથી દક્ષિણના ભાગમાં વરસાદની શરૂઆત થશે. આગામી ત્રણ દિવસ બાદ એટલે કે, 21 અને 22 ઓગસ્ટના દિવસે સૌરાષ્ટ્ર અને કચ્છને બાદ કરતાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મોટાભાગના સ્થળમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જેમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે.