પાકિસ્તાનના સંસદ સભ્ય મુસ્તફા કમાલે, નેશનલ એસેમ્બલીમાં પાકિસ્તાનની શિક્ષણ પ્રણાલીની આકરી ટિકા કરીને ભારતના મ્હોફાટ વખાણ કર્યા હતા. પાકિસ્તાનના સાંસદ મુસ્તફા કમાલનું કહેવું છે કે પાકિસ્તાનમાં આજે 2 કરોડ 62 લાખ બાળકો શાળાએ જતા નથી. આપણે એવી પધ્ધતિનો વિકાસ કરવો જોઈએ કે, આ બાળકો ઓછામાં ઓછુ પ્રાથમિક શિક્ષણ તો મેળવે. આપણી યુનિવર્સિટી માત્ર બેરોજગારોને બહાર પાડવાની ફેકટરી બની ગઈ છે. વિશ્વના કેટલાક દેશની કુલ વસ્તીથી પણ વધુ સંખ્યામાં બાળકો પાકિસ્તાનમાં પ્રાથમિક શિક્ષણ લેતા નથી, જે આપણા માટે શરમજનક કહેવાય.
પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં ગઈકાલે સંસદસભ્ય મુસ્તફા કમાલે, શિક્ષણને લઈને રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, કેટલાક રાષ્ટ્રની કુલ વસતી બે કરોડ જેટલી છે. આવા રાષ્ટ્રની કુલ વસ્તીથી પણ વધુ સંખ્યામાં બાળકો પાકિસ્તાનમાં શિક્ષણ લેતા નથી. માધ્યમિક કે ઉચ્ચમાધ્યમિક તો છોડો, પરંતુ પ્રાથમિક શિક્ષણ પણ લેતા નથી.
મુસ્તફા કમાલે ભારતની શિક્ષણ પ્રથાના વખાણ કરતા કહ્યું કે, આપણા પડોશી દેશ એવા હિન્દુસ્તાને જુઓ. ત્યા 25-30 વર્ષ પહેલા વિશ્વની જરૂરીયાત મુજબની શિક્ષણ વ્યવસ્થા ગોઠવી. જેના કારણે આજે દુનિયાભરની ટોચની ગણાતી કંપનીઓમાં ભારતીયો CEO છે. જ્યારે પાકિસ્તાનમાં યુનિવર્સિટી માત્ર બેરોજગારોને બહાર પાડવાની ફેટકરી બની ગઈ છે.