સતત વધતી મોંઘવારીને કારણે પશુપાલન સાથે સંકળાયેલ પરિવારોની હાલત કફોડી બની છે. ધોરાજીના 150 જેટલા માલધારી પરિવારોની મુશ્કેલી વધી છે. ખોળ,ભૂસુ, રાજદાણ અને ઘાસચારાના સતત વધી રહેલા ભાવથી પશુપાલકો ચિંતિત બન્યા છે. પશુપાલકોનું કહેવું છે કે ઘાસચારાના ભાવ આસમાને પહોંચ્યા છે. જેની સામે તેમને દૂધના પોષણક્ષમ ભાવ મળતા નથી.
બીજી બાજુ ઉનાળો હજુ શરૂ પણ નથી થયો ત્યાં જ પાણીની અછત ઉભી થઈ છે. નદી, નાળા અને ચેકડેમ સુકાઈ ગયા છે. જેથી પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરવી પણ એક પડકાર છે. આ સ્થિતિમાં પશુપાલકોને ગુજરાન ચલાવવુ મુશ્કેલ બન્યું છે.
વેપારીઓનું માનવુ છે કે આ વર્ષે ઘાસચારાનું વાવેતર ઘટયું છે. માવઠા અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેડૂતો ઘાસચારોનું વાવેતર કરતા નથી. ઉનાળામાં હજુ ભાવ વધવાની ધારણા છે.
આ તરફ મગફળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવાઈ રહી છે. ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચવા મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા છે. પરંતુ તેમને મણ દીઠ માત્ર 1200થી 1500 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે. સિંગતેલના ભાવ ભડકે બળી રહ્યા છે. તેની સામે મગફળીના ભાવ નથી મળતા. ખેડૂતોને વાવેતર સમયે જે ખર્ચ થયો છે તે ખર્ચ પણ નીકળી શકે એમ નથી.
ખેડૂતો ખુલ્લી બજારમાં ઓછા ભાવે મગફળી વેચવા મજબૂર છે. ધોરાજી પંથકના ખેડૂતોએ માવઠું અને અતિવૃષ્ટિ જેવી અનેક આફતોનું સામનો કરી મગફળીના પાકનું ઉત્પાદન કર્યું હતુ. ખેડૂતોને આશા હતી કે આ વર્ષે સારા ભાવ મળશે. પરંતુ વચેટિયાઓ ફાવી ગયા છે. વેપારીઓ ખેડૂતો પાસેથી ઓછા ભાવે મગફળી ખરીદી રહ્યા છે અને ઓઈલ મિલરોને ઉંચા ભાવે વેચી રહ્યા છે.જેમાં ખેડૂતોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે.