ભાવનગરમાં ફાયર સેફ્ટી વિના ધમધમતા એકમોને સીલ કરવામાં આવતા વેપારીઓમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. માર્કેટમાં તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ બોલાવવામાં આવી રહ્યો છે. ફાયર NOC, BU પરમિશન અને વીજ લોડ બાબતે હાલ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને વિવિધ મુદ્દે હોટલ્સ, દુકાનો, હોસ્પિટલો સહિત અનેક એકમોને સીલ કરવામાં આવી રહ્યા છે. પ્રથમ દૃષ્ટિએ એમ લાગે કે ભાવનગર કોર્પોરેશનની આ ઝૂંબેશ આવકાર્ય છે. જો કે બીજી તરફ વેપારીઓની સ્થિતિ કફોડી બની છે. બજારમાં ફાયર સેફ્ટીના સાધનો જ પૂરતાં પ્રમાણ ન હોવાના ખુલાસાઓ સામે આવી રહ્યા છે.
પરિસ્થિતિ એ છે કે રૂપિયા ખર્ચ કરતાં પણ ન તો લોકોને ફાયર સેફ્ટીના સાધનો મળી રહ્યા છે કે ન તો આ સાધનો ફીટ કરે તેવાં નિષ્ણાતો. બીજી તરફ કેટલાંક વેપારીઓનો આક્ષેપ છે કે તેમની પાસે ફાયર સેફ્ટીના પૂરતાં સાધનો તો છે. પરંતુ, પરમિશન નથી. ત્યારે તેઓ તંત્ર પાસે માત્ર મુદ્દતની માંગ કરી રહ્યા છે. પરંતુ, તેના બદલે આખાને આખા બિલ્ડિંગોને સીલ કરી દેવાતા વેપારીઓને હાલ મંદીમાં પડતા પર પાટું જેવી સ્થિતિ છે.
આ પ્રકારની કાર્યવાહી સામે વિપક્ષે પણ તંત્રને આડે હાથ લીધું છે અને સમય આપવાની માંગ કરી છે. બીજી તરફ એવી પણ માંગ ઊઠી છે કે માત્ર ફાયર સેફ્ટીના સાધનો લગાવવા એ પૂરતું નથી. જરૂરી છે કે આ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની દરેક દુકાન માલિકો અને કર્મચારીઓને તાલિમ આપવામાં આવે.
મેયરે વ્યવસ્થા કરવાની સૂચના તો આપી દીધી છે. પરંતુ, આ વ્યવસ્થાઓ પૂરી ક્યારે થશે તે જ મોટો પ્રશ્ન છે ! ત્યારે હાલ તો તંત્રની તવાઈને લીધે અનેક લોકોએ કામધંધા ગૂમાવવાના વારા આવ્યા છે.