વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત સાથે રાજકારણ પણ ગરમાયું છે. બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામી શકે છે. વાવ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ચૂંટણીમાં ઉતરી શકે છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ ઉમેદવાર ઉતારી શકે છે.
બીજી તરફ ગઠબંધનને લઈને આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીએ નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે મારે રાષ્ટ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરવાની બાકી છે. આ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિ સિંહ સાથે પણ ચર્ચા કરવાનું ઈસુદાન ગઢવીએ જણાવ્યુ છે.
ગેનીબેનના સાંસદ તરીકે ચૂંટાયા બાદ ખાલી પડેલી વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે વાવ બેઠક પર ગઠબંધનને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે હાલમાં ગઠબંધનને લઈને કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. આ સાથે જ મનીશ દોશીએ જણાવ્યુ કે 2022 વિધાનસભામાં અને 2024 લોકસભમાં કોંગ્રેસ પર જનતાએ વિશ્વાસ મુક્યો હતો. આગામી વાવ પેટાચૂંટણીમાં પણ જનતા કોંગ્રેસ પર વિશ્વાસ મુકશે.
વાવ વિધાનસભાની ખાલી પડેલી બેઠક પર આગામી 13 નવેમ્બરે મતદાન થશે. જ્યારે 23 નવેમ્બરે પરિણામ આવશે. વાવ વિધાનસભા બેઠક પર નજર કરીએ તો વાવ બેઠક પર કુલ 3 લાખ 10 હજાર 681 મતદારો છે. જેમાંથી 1 લાખ 61 હજાર 293 પુરુષ મતદારો છે જ્યારે 1 લાખ 49 હજાર 387 મહિલા મતદારો છે. 321 મતદાન મથકો પર કુલ 1 હજાર 412 અધિકારીઓ ચૂંટણી ફરજ પર રહેશે. પેટા ચૂંટણીમાં સભા,રેલી સરઘસ કાઢવા માટે મંજૂરી લેવી પડશે.