BUDGET 2022: સિનિયર સિટીઝનને મળે કઇંક ખાસ, સુધરી જાય જિંદગીની સાંજ

|

Jan 03, 2023 | 7:16 PM

અત્યારે સિનિયર સિટીઝન (SENIOR CITIZEN)એ રોકાણ કરવા (INVESTMENT) માટે કોઇ ખાસ યોજના નથી. ફક્ત બે યોજનાઓ સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) અને પ્રધાનમંત્રી વય વંદના યોજના (PVVY) છે. જાણો આ વીડિયોમાં, વરિષ્ઠ નાગરિકો બજેટ (BUDGET) પાસેથી શું અપેક્ષા રાખી રહ્યા છે.

ભોપાલના રિટાયર્ડ ટીચર ઓમપ્રકાશ કોરોના સંકટ જલદી સમાપ્ત થાય તે માટે ઇશ્વરને સતત પ્રાર્થના કરી રહ્યા છે. કોરોના કાળના છેલ્લા બે વર્ષ તેમના રિટાયરમેન્ટ પ્લાનિંગ અને બચતની યોજનાઓ માટે મોટા ઝટકા સમાન સાબિત થયા.

બે વર્ષ થઇ ગયા, પરંતુ કોરોના કાળ હજુ સમાપ્ત થાય તેવું લાગતું નથી. ગયા વર્ષે બજેટમાં વરિષ્ઠ નાગરિકોને કોઇ ખાસ રાહત નથી મળી. પરંતુ આ વર્ષે બજેટથી તેમને ઘણી આશાઓ છે.
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલને નિવૃત્ત લોકો એટલે કે સીનિયર સિટીઝન્સને સેટલ થવા માટેનું એક સારૂ શહેર માનવામાં આવે છે. ઓમપ્રકાશ દેશના એવા કરોડો સીનિયર સિટીઝન કે બચત કરનારા લોકોનો હિસ્સો છે, જે છેલ્લા ઘણાં વર્ષોથી બજેટમાં કોઇ ખાસ રાહતની આશા રાખીને બેઠા છે.

ઓમપ્રકાશને પેન્શન મળે છે, એટલે તેમને અન્ય કોઇ સરકારી યોજનાનો લાભ નથી મળતો. જોકે, બજેટની જોગવાઇઓથી આવા લોકોની બચત અને રોકાણ પર મોટી અસર પડે છે. પારિવારિક જવાબદારીઓને જોતાં તેમનું પેન્શન પૂરતું નથી. એટલા માટે તેઓ બચત અને રોકાણની એવી યોજનાઓ ઇચ્છે છે જેમાં દર મહિને તેમને સારૂ રિટર્ન મળતું રહે. કોરોના સંકટના કારણે રિટાયરમેન્ટ પછી કઇંક વધારાનું કામ કરવાની તેમની યોજના પણ નિષ્ફળ રહી.

એક રિપોર્ટ અનુસાર ભારતમાં વરિષ્ઠ નાગરિકોની વસતી સતત વધી રહી છે. વર્ષ 2031 સુધી તેમની સંખ્યા 19 કરોડ 40 લાખ સુધી પહોંચી શકે છે. વર્ષ 2011ની વસતી ગણતરી અનુસાર દેશમાં 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનની સંખ્યા અંદાજે 10 કરોડ 30 લાખ હતી, જે કુલ વસતીનો 8.6 ટકા હિસ્સો છે.

છેલ્લા બે વર્ષના બજેટમાં 75 વર્ષથી ઉપરના સીનિયર સિટીઝનને ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું કે, 75 વર્ષથી ઉપરના જે વરિષ્ઠ નાગરિકો કે જેઓ ફક્ત પેન્શન અને વ્યાજની આવક પર નિર્ભર છે, તેમણે આઇટી રિટર્ન ભરવાની જરૂરિયાત નથી. પરંતુ ઇનકમ ટેક્સ સેકશન 194P અનુસાર, બેંક 75 વર્ષથી ઉપરના આવા સિનિયર સિટીઝનનું TDS કાપશે. ટેક્સના હિસાબે પણ 60 વર્ષથી ઉપરના લોકોને સિનિયર સિટીઝન કહેવામાં આવે છે.

સામાન્ય લોકો માટે ફક્ત અઢી લાખ રૂપિયા સુધીની આવક જ ટેક્સ ફ્રી હોય છે અને અઢી લાખથી પાંચ લાખ રૂપિયા માટે 5 ટકા ટેક્સ આપવાનો હોય છે. જોકે, સરકાર હાલ અઢીથી પાંચ લાખ સુધીની આવક માટે 12 હજાર 500 રૂપિયાનું રિબેટ આપે છે જેના કારણે પાંચ લાખ સુધીની આવક પર કોઇ ટેક્સ નથી આપવો પડતો. બીજી તરફ સિનિયર સિટીઝનને 3 લાખ રૂપિયાની આવક પર કોઇ ટેક્સ નથી ભરવો પડતો. પરંતુ સિનિયર સિટીઝન માટે વધારાની રિબેટની કોઇ જોગવાઇ નથી. તેમને પણ 5 લાખ રૂપિયા સુધીની આવક સુધી જ રિબેટ મળે છે.

હાલ સરકાર વરિષ્ઠ નાગરિકો માટે બે મુખ્ય બચત યોજનાઓ ચલાવે છે. પ્રધાનમંત્રી વય વંદના યોજના અને વરિષ્ઠ નાગરિક બચત યોજના એટલે કે SCSS. પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં 60 વર્ષથી ઉપરની ઉંમરવાળા બધા નાગરિક 15 લાખ રૂપિયાનું રોકાણ 31 માર્ચ 2023 પહેલા કરી શકે છે. રોકાણના આધારે નાગરિકોને દર મહિને 1000 રૂપિયાથી લઇને 9250 રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવશે.

આ જ રીતે સીનિયર સિટિઝન્સ સેવિંગ સ્કીમ (SCSS)માં પણ રોકાણ માટે 15 લાખ રૂપિયાની મર્યાદા છે.

સિનિયર સિટીઝન સ્કીમનું પણ લક્ષ્ય એ છે કે વરિષ્ઠ નાગરિકોને 60 વર્ષની ઉંમર પછી નિયમિત આવકનું કોઇ સાધન મળે. આ સ્કીમ હેઠળ 7.4 ટકા વાર્ષિક વ્યાજ મળે છે અને 80સી હેઠળ ટેક્સ લાભ પણ મેળવી શકાય છે.

ટેક્સ અને રોકાણ એક્સપર્ટ બલવંત જૈન કહે છે કે, ‘ અત્યારે સિનિયર સિટીઝનના રોકાણ માટે કોઇ ખાસ યોજના નથી. ફક્ત બે યોજનાઓ છે. સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ અને પ્રધાનમંત્રી વય વંદના યોજના. આ બન્નેમાં રોકાણ માટે 15 લાખ રૂપિયા સુધીની મર્યાદા છે. જેને વધારવાની જરૂર છે. આ ઉપરાંત, સિનિયર સિટીઝનની 3 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત છે. પરંતુ રિબેટ સામાન્ય લોકોની જેમ 5 લાખ રૂપિયા સુધી જ મળે છે. આ રિબેટને વધારીને 6 લાખ રૂપિયા સુધી કરવું જોઇએ. તો જ વરિષ્ઠ નાગરિકોને ન્યાય મળશે.’

ઓમપ્રકાશની અપેક્ષા ફક્ત એટલી જ છે કે સરકાર કોઇ એવી રોકાણ યોજના લઇને આવે જેના કારણે તેમને દર મહિને વધારાની આવક થઇ શકે. આજની ભૌતિકવાદી દુનિયામાં મર્યાદીત પેન્શનમાં ગુજરાન ચલાવવું મુશ્કેલ છે. આ ઉપરાંત, મેડિકલના ખર્ચ ખુબ ઉંચા છે. તેઓ ઇચ્છે છે કે સિનિયર સિટીઝન લોકો માટે સુવિધાઓ વધે અને સરકાર ટેક્સમાં વધુ રાહત આપે. તે ઇચ્છે છે કે સરકાર સ્વાસ્થ્ય સેકટર પર વધુ ખર્ચ કરે.

આ પણ વાંચોઃ BUDGET 2022: નોકરિયાત વર્ગને આ BUDGETમાં મળશે રાહત?

આ પણ વાંચોઃ Budget 2022: મોદી સરકારના 9 બજેટ : આમ આદમીને ક્યારે મળી ટેક્સમાં રાહત અને ક્યારે ઝીકાયો બોજ? જાણો વિગતવાર

Published On - 12:11 pm, Sat, 29 January 22

Next Video