સુરતમાં ગુનાખોરી અટકવાનું જાણે નામ જ નથી લેતી. ફરી એક વાર સુરતમાંથી બોગસ તબીબોનું કારસ્તાન સામે આવ્યું છે. પાંડેસરા વિસ્તારમાંથી બોગસ ડોકટરોએ જ આખે આખી જન સેવા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ શરૂ કરી દીધી. એટલુ જ નહીં હોસ્પિટલના ઉદ્ઘાટન કાર્ડમાં શહેરના CP અને ક્રાઇમ JCPનું નામ છાપી દીધુ હતુ.
હોસ્પિટલ શરૂ કરનાર તબીબ તરીકે કામ કરનાર બે બોગસ તબીબો સામે વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરવાનો અને સંચાલક સામે વર્ષ 2022માં દારૂની હેરાફેરીનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. હોસ્પિટલ શરૂ કરનાર બબલુ શુકલા, રાજા રામ દૂબે અને ડૉ.જી.પી.મિશ્રા સામે ગુનો નોંધાયેલ છે.
આ ત્રણેય લોકોએ મળીને શરૂ કરેલી હોસ્પિટલના ઉદ્ઘાટન કાર્ડમાં સુરત શહેરના CP અને ક્રાઇમ JCPનું પત્રિકામાં નામ પણ છાપી માર્યા હતા. જેની આ અધિકારીઓને તો જાણ પણ ન હતી તો સાથે બોગસ ડોકટરોએ હોસ્પિટલ શરૂ કરતા પહેલા જીલ્લા અધિકારીને પણ લેખિત જાણ નહોતી કરી કે ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ કરાવ્યું નહોતું.
તો આ મામલે વધુ પણ એક ઘટસ્ફોટ થયો છે. હોસ્પિટલ જે જગ્યા પર બનાવવામાં આવી ત્યાં વર્ષોથી થિયેટર હતું. તે જ જગ્યા પર 15 દિવસમાં જ હોસ્પિટલ ખડકી દેવામાં આવી.હાલ તો બોગસ ડોકટરોની હોસ્પિટલનો ભાંડો ફૂંટતા પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી અને હોસ્પિટલને તાળા બંધી કરી સીલ મારી દેવામાં આવી છે.
Published On - 3:51 pm, Mon, 18 November 24