હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ એકાએક પલટો જોવા મળ્યો અને કેટલાક વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. શહેરના ઈન્દીરા બ્રિજ અને ચીલોડા હાઈવે પર વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આજ અને આવતીકાલ એમ બે દિવસ વરસાદ પડવાની આગાહી કરી હતી. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્કયુલેશની અસર જોવા મળી રહી છે અને હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક શહેરો અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી હતી.
આજ બપોર બાદ જ વાતાવરણ વાદળછાયુ બન્યુ હતુ. અમદાવાદના મેઘાણીનગર, ચાંદખેડા, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટુ પડ્યુ હતુ. તોફાની પવન ફુંકાતા આંધી તોફાન જેવા દૃશ્યો સર્જાયા હતા અને ધૂળની ડમરીઓ ઉડી હતી. અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વાતાવરણમાં એકાએક પલટાઈ જતા ઠંડક પ્રસરી હતી અને ગરમીનું પ્રમાણ ઘટ્યુ હતુ.
જશોદાનગર વિસ્તારના દૃશ્યો આપ અહીં જોઈ શકો છો, એકાએક તોફાની પવન ફુંકાતા વાતાવરણમાં વિઝિબિલિટી ઘટી ગઈ હતી અને ધૂળની ડમરીઓ ઉડતા વાહનવ્યહારમાં પણ મુશ્કેલી સર્જાઈ હતી. થોડીવાર માટે આંધી જેવુ દૃશ્ય સર્જાયુ હતુ.
આ તરફ પાટણ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. ભારે પવન સાથે રાધનપુર અને વારાહી પંથકમાં માવઠુ પડ્યુ હતુ. જુવાર સહિતના વાવેતર કરેલા પાકો પર નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
આ પણ વાંચો: ધોમધખતા તાપમાં હવે ગીરના સાવજો નહીં રહે તરસ્યા, વનવિભાગે તૈયાર કર્યા કૃત્રિમ વોટર પોઈન્ટ્સ- જુઓ Video
Published On - 7:05 pm, Sun, 14 April 24