ચૂંટણી પહેલા કોંગ્રેસને મળી શકે છે મોટો ઝટકો, ઊંઝા વિધાનસભામાં 50થી વધુ આગેવાનો આપી શકે છે રાજીનામું
ઉંઝા વિધાનસભામાં એક સાથે 50થી વધુ આગેવાનો કોંગ્રેસનો હાથ છોડી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસથી (Congress) નારાજ 50થી વધુ આગેવાનો રાજીનામું અને નિવૃત્તિ લેશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Elections) હવે ખૂબ જ ઓછા દિવસો છે. તમામ રાજકીય પક્ષો પોતાના પ્રચાર પ્રસારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યાં બીજી તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ મહેસાણામાં (Mehsana) કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. ઉંઝા વિધાનસભામાં એક સાથે 50થી વધુ આગેવાનો કોંગ્રેસનો હાથ છોડી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસથી નારાજ 50થી વધુ આગેવાનો રાજીનામું અને નિવૃત્તિ લેશે. જેમાં કેટલાક આગેવાનો વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હોવાનું પણ માનવામાં આવી રહ્યુ છે. જો આ આગેવાનો કોંગ્રેસમાંથી (Congress) રાજીનામું આપશે તો કોંગ્રેસને ચૂંટણીમાં મોટું નુકસાન થઇ શકે છે.
કોણ કોણ રાજીનામું આપી શકે છે ?
ઊંઝા કોંગ્રેસના કેટલાક સિનિયર આગેવાનો કોંગ્રેસથી નારાજ હોવાની માહિતી સુત્રો પાસેથી મળી છે. જેને લઇને આ આગેવાનો ટુંક સમયમાં જ કોંગ્રેસને અલવિદા કહે તેવી શક્યતા છે. 50થી વધુ કોંગ્રેસના આગેવાનો પક્ષમાંથી રાજીનામુ લેશે અથવા તો નિવૃત્તિ લેશે તેવા સમાચાર છે. આ કોંગ્રેસ નેતાઓની વાત કરીએ તો ઊંઝા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન દશરથ પટેલ કોંગ્રેસ છોડી શકે છે. તો ઊંઝા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જયપ્રકાશ પટેલ પણ કોંગ્રેસનો હાથ છોડી શકે છે. ઊંઝા તાલુકાના પૂર્વ કોર્પોરેટર, ઊંઝા તાલુકા પંચાયત પૂર્વ ડેલિગેટ પણ કોંગ્રેસ છોડી શકે છે.
આ અંગે આગામી 13 ઓક્ટોબરે ખાનગી બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં રાજીનામા અને નિવૃત્તિ અંગે નિર્ણય લેવાશે. જે પછી સત્તાવાર રીતે કોંગ્રેસના આ આગેવાનોના રાજીનામાની જાહેરાત કરી શકે છે.