ભાવનગરમાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોનું મળ્યુ મહાસંમેલન, ભાજપના રાજેન્દ્રસિંહ રાણા સહિત 5 હજારથી વધુ ક્ષત્રિયો થયા એક્ઠા, એકસૂરે ઉઠી ટિકિટ રદ કરવાની માગ

|

Apr 02, 2024 | 8:05 PM

ભાવનગરમાં પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોનું મહાસંમેલન મળ્યુ હતુ. જેમા ભાજપના રાજેન્દ્રસિંહ રાણા સહિત 5 હજારથી વધુ ક્ષત્રિયો જમા થયા હતા અને એકસૂરે રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી હતી.

ભાવનગરમાં પરશોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળ્યુ હતુ. ગરાસિયા બોર્ડિંગ ખાતે યોજાયેલી સભામાં 5000થી વધારે ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા. ભાજપના રાજેન્દ્રસિંહ રાણા અને કોંગ્રેસ પક્ષના અનેક આગેવાનો પણ જોવા મળ્યા હતા. ક્ષત્રિય સમાજની મહિલાઓ અને મોટા પ્રમાણમાં યુવાનો પણ આ સભામાં જોડાયા હતા. મહિલાઓ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે PM મોદીને પણ અપીલ કરી છે. આ માટે મહિલાઓ PM મોદીને પોસ્ટકાર્ડ લખીને રજૂઆત કરશે તેવુ પણ આયોજન કરવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ જે નિર્ણય લેશે તેને જ આખરી માનવામાં આવશે.

હાલ રાજ્યભરમાં રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. ક્યાંક સંમેલનો દ્વારા તો ક્યાંક વિરોધ પ્રદર્શનો દ્વારા રૂપાલા સામે ક્ષત્રિય સમાજે બાંયો ચડાવી છે. આ તરફ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં પણ બેઠક યોજાઈ હતી. જેમા ગઈકાલે CM દિલ્હી મુલાકાત કરીને આવ્યા અને આજે ગાંધીનગરમાં પ્રદેશના તમામ નેતાઓની હાજરીમાં મીટિંગ કરવામાં આવી હતી.

CMના અને પાટીલના તમામ કાર્યક્રમો રદ્દ કરીને ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે મીટિંગ કરવામાં આવી. CM ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર, મહામંત્રી રજની પટેલ, હર્ષ સંઘવી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કિરીટસિંહ રાણા, બળવંતસિંહ રાજપૂત, જયરાજસિંહ પરમાર, આઇ કે જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, વિનોદ ચાવડા સહિતના વચ્ચે મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠક બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ક્ષત્રિયોને બે હાથ જોડીને અપીલ કરી કે રૂપાલા ખુદ તેમના નિવેદન પર ત્રણેકવાર માફી માગી ચુક્યા છે ત્યારે ક્ષત્રિયોએ મોટુ મન રાખીને હવે તેમને માફ કરી દેવા જોઈએ.

આ પણ વાંચો: અમદાવાદની સિટી બસમાં મુસાફરી કરતા હો તો રહેજો સાવધાન, મુસાફરોને ટાર્ગેટ કરતી ચોર ગેંગ થઈ છે સક્રિય, પોલીસે બે મહિલાની કરી ધરપકડ

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:57 pm, Tue, 2 April 24

Next Video