Ahmedabad: માંડલ તાલુકાના 15 જેટલા ગામોના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ, ખેડૂતોએ સરકાર પાસે સહાયની કરી માગ- Video

|

Sep 07, 2024 | 3:49 PM

અમદાવાદના માંડલ તાલુકાના 15 ગામોમાં વરસાદે વિરામ લીધા બાદ પણ જળબંબાકારની સ્થિતિ છે. ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. ભારે વરસાદ થવાથી ખેડૂતોના પાક બળી જવા પામ્યો છે. ત્યારે 15 જેટલા ગામના ખેડૂતોએ સરકાર પાસે ઝડપી સરવે કરાવી તાત્કાલિક વળતર ચુકવવાની માગ કરી છે.

રાજ્યમાં મૂશળધાર વરસાદ હવે ખેડૂતોની મુશ્કેલી વધારી રહ્યું છે. ભારે વરસાદ વરસતા તારાજી સર્જાઈ છે. અમદાવાદના માંડલ તાલુકાના ગામોના ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ધોધમાર વરસાદના લીધે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હતા. ખેતરોમાં જળબંબાકારની સ્થિતિથી મોટા ભાગનો પાક ધોવાયા ગયો હતો. આ વિસ્તારમાં ઉગાડવામાં આવતા તુવેર, કપાસ, એરંડા, મગ, મઠ સહિત બાગાયતી પાકને મોટું નુકસાન પહોંચ્યું છે.

માંડલ તાલુકાના ગામોમાં ખેતરો હજુ પણ જળબંબાકારની સ્થિતિમાં છે. ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોનો ઉભો પાક સાફ થઇ ગયો છે. ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે ઝડપી પાક સર્વે કરાવીને વળતર ચૂકવવાની માંગણી કરી રહ્યા છે. જેથી શિયાળુ પાકમાં ખેડૂતો વાવેતર કરી શકે.

હાલ તાલુકાના રખિયાણા, શેર, રીબડી, ટ્રેન્ટ, સોલગામ કડવાસણ, એંડલા સહિત કુણપુર વરમોર, વિઠલાપુર જાલીસણા, હાસલપુર, ઉઘરોજપુરા સહિતના વિસ્તારોમાં હજુ પણ ખેતરો જળબંબાકારની સ્થિતિ છે. ખેતરો પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને પારવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાલ તેઓ સરકાર પાસે ઝડપી સર્વે કરાવી વળતર આપવાની માગ કરી રહ્યા છે.

Input Credit- Piyush Gajjar- Ahmedabad

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:44 pm, Sat, 7 September 24

Next Video