ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 2 સેમીનો વધારો થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 99.25 ટકા ભરાયો છે. નર્મદા ડેમની સપાટી 138.46 મીટરે પહોંચી છે. જ્યારે નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે.
નર્મદા ડેમમાં 1 લાખ 44 હજાર ક્યૂસેકથી વધુ પાણીની આવક છે. જ્યારે નર્મદા નદીમાં 1 લાખ ક્યૂસેકથી વધુ પાણી છોડવામાં આવ્યુ છે. જેના પગલે વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરાયા છે. નર્મદા ડેમ મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર 22 સેમી બાકી છે. જેના કારણે નર્મદા ડેમના 10 દરવાજા 1.35 મીટર ખોલવામાં આવ્યા છે.
બીજી તરફ વડોદરાના ડભોઇમાંથી પસાર થતી ઢાઢર નદીની જળસપાટી વધી છે. ઉપરવાસમાં વરસાદને પગલે ફરી દેવ ડેમમાંથી પાણી છોડયું છે. તેમજ દંગીવાડા, કબીરપૂરા,નારણપુરા, બંબોજ ગામના રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તેમજ કરાલીપુરા જવાનો માર્ગ પણ પાણીમાં ગરકાવ થયા છે. સીઝનમાં સતત પાંચ વાર ઢાઢર નદીમાં પુર ની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે 7 જેટલા ગામના મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યું છે.