ખ્યાતિ હોસ્પિટલ દ્વારા દર્દીઓને ડરાવી આયુષ્યમાનના પૈસા પડાવવા માટે જરૂર ન હોવા છતા સ્ટેન્ટ મુકી દેવામાં આવતા હતા. તાજેતરમાં જ બોરીસણા ગામના બે લોકોના મોત સમગ્ર કાંડનો પર્દાફાશ થયો છે. હાલ અગાઉના કારનામા અંગે પણ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમા કડીના વિનાયકપુરામાં રહેતા ગણપતભાઈનું સારવાર બાદ મોત થયુ હતુ. મૃતક ગણપતભાઈ મૂળ સુરેન્દ્રનગરના બજાણા ગામના વતની હતા. ખ્યાતિ હોસ્પિટલના તબીબોએ PMJAY યોજનાનો લાભ લેવા ગણપતભાઈની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. આ સમગ્ર મામલે હવે આરોગ્યવિભાગની ટીમે સારવારના પૂરાવા એકત્રિત કરવાનું શરૂ કર્યુ છે. મૃતક દર્દીના સગા પાસેથી તમામ પૂરાવા મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પરિવારજનોનું કહેવું છે કે ગણપતભાઈ સંપૂર્ણપણે સ્વસ્થ હતા. પરંતુ, વિનાયકપુરા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા યોજાયેલ કેમ્પમાં તેઓ તપાસ માટે ગયા હતા. જ્યાંથી તેમને સીધા જ બસમાં બેસાડી ખ્યાતિ હોસ્પિટલ લઈ જવાયા હતા અને નળી બ્લોક હોવાનું કહી ઓપરેશન કરી દેવાયું. 24 કલાક બાદ દર્દીની તબિયત લથડતા ખ્યાતિ હોસ્પિટલે તેમને સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યા હતા. જ્યાં 11 દિવસની સારવાર બાદ તેમનું મોત થયું હતું. પરિવારજનોનો આક્ષેપ છે કે તેમની ના પાડવા છતાં ઓપરેશન કરી દેવાયું હતું અને એટલે જ તેમણે આ અંગે તપાસની માંગ કરી હતી. હવે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ કેસમાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
Input Credit- Sajid Belim- Surendranagar
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો