Gujarati Video: MS યુનિવર્સિટીમાં Y20 ઇન્ડિયા સમિટનું આયોજન, સિન્ડીકેટ સભ્યોએ કર્યો બહિષ્કાર

| Edited By: | Updated on: Feb 25, 2023 | 11:06 PM

Vadodara: MS યુનિવર્સિટીમાં Y20 ઇન્ડિયા સમિટનું આયોજન કરવામાં આવ્યુ તુ. MSUના યજમાનપદે G-20 અંતર્ગત યોજાયેલી યૂથ-20ની શિખર બેઠકમાં આમંત્રિત મહાનુભાવો અને ધારાસભ્યો હાજર ન રહેતા સિન્ડીકેટ સભ્યોએ નારાજ થયા હતા અને સમિટનો બહિષ્કાર કર્યો હતો.

આબોહવા, પરિવર્તન અને આપત્તિના જોખમો ઘટાડવાના વિષય પર વડોદરામાં Y20 ઇન્ડિયા સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. G-20ના ભાગરૂપે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આજથી યુથ-20 શિખર બેઠકનો પ્રારંભ થયો છે. જળવાયુ પરિવર્તન અને પર્યાવરણીય સંરક્ષણની થીમ પર કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. સમિટમાં 62 દેશોના 600થી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.આબોહવા પરિવર્તન અને પર્યાવરણનો અભ્યાસ કરતા વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ભારતના G20 પ્રેસિડેન્સીની ઉજવણી નિમિત્તે Y20 ઈન્ડિયા સમિટનું આયોજન કરાયું છે.

Y20 સમિટનો યુનિવર્સિટીના સિન્ડિકેટ સેનેટ સભ્યોએ બહિષ્કાર કર્યો હતો. યુનિવર્સિટીના સેનેટ સભ્યએ કહ્યું, યુનિવર્સિટીમાં કોન્વોકેશન યોજાતું નથી. પરંતુ Y20નું આયોજન કરી તાયફા કરવામાં આવે છે. કેટલાક મહાનુભાવો સમિટમાં ન આવીને અપમાન કરે છે. સેનેટ અને સિન્ડિકેટ સભ્યોને વીસી સાથે વાંધો છે એટલે કાર્યક્રમમાં આવ્યા નથી.

એમ.એસ.યુનિવર્સિટીના સેનેટ મેમ્બર કપિલ જોશીએ જણાવ્યુ કે જો આમંત્રિત ગેસ્ટ આવવાના જ નથી તો લાખો રૂપિયાનો ખર્ચ શા માટે કરવામાં આવ્યો. આ તાયફા શા માટે કરાય છે? તેમણે જણાવ્યુ કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પૈસા આ રીતે તાયફાઓમાં ખર્ચાવા ન જોઈએ.

આ પણ વાંચો: RSS વિશે એલફેલ ટિપ્પણી કરવી પડી ભારે, કુમાર વિશ્વાસનો વડોદરા ખાતેનો અગાઉથી નિર્ધારીત કાર્યક્રમ થયો રદ

ઉલ્લેખનીય છે કે G-20 અંતર્ગત આયોજિત યુથ-20 શિખર બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી,ગૃહરાજ્યમંત્રી અને આરોગ્ય મંત્રી સહિત વડોદરા શહેર અને જિલ્લાના ધારાસભ્યોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ ધારાસભ્ય કેયુર રોકડિયા સિવાય કોઈ મંત્રીઓ કે ધારાસભ્યો આવ્યા ન હતા. આ અંગે વાઈસ ચાન્સેલરે જણાવ્યુ હતુ કે બજેટ સત્રના કારણે મુખ્યમંત્રી અને ધારાસભ્ય આવી શક્યા નથી.