માઈ ભક્તો શ્રીફળ અને રોકડ રકમ સહિતની ભેટ ધરતા હોય છે, પણ એક શ્રદ્ધાળુએ ભેટ ધર્યુ સોનાનુ ઘર. શક્તિપીઠ અંબાજી મંદિર કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા ધરાવે છે. મુંબઈના એક ગુજરાતી પરિવારે અંબાજી માતાજીની માનતા રાખી હતી. મુંબઈના પરિવારે પોતાનુ બે માળનુ ઘર થાય એ માટે થઈને માનતા માની હતી. જે માનતા પૂર્ણ થતા તેઓએ અંબાજી મંદિરમાં ઘરના પ્રતિક રુપ સોનામાંથી તૈયાર કરીને માતાજીના ચરણોમાં અર્પણ કર્યુ હતુ.
ભેટ અર્પણ કરવા માટે મુંબઈથી આવેલા ફાલ્ગુની બેને કહ્યુ હતુ કે, તેમણે ઘરની માનતા રાખી હતી. માતાજીના આશીર્વાદથી આલીશાન ઘર મુંબઈમાં પોતાનુ બની ચુક્યુ છે. માતાજીની કૃપાથી પોતાનુ બે મજલાનુ મકાન તૈયાર થઈ જતા બાધા પૂર્ણ કરવા માટે ફાલ્ગુની બેન અંબાજી આવ્યા હતા. તેઓએ એક લાખ રુપિયા કરતા વધારે કિંમતથી તૈયાર કરેલ સોનાના ઘરનુ પ્રતિક તૈયાર કરીને માતાજીની અર્પણ કર્યુ હતુ. અંબાજી માતાના મંદિરે ભક્તો નિયમીત રુપે સોના અને ચાંદીનુ દાન કરે છે. અહીં મોટા પ્રમાણમાં સોનાનુ દાન ભક્તોએ કર્યુ છે.
Published On - 6:00 pm, Wed, 1 November 23