બનાસકાંઠા: શિક્ષકોના અભાવે ડાભી ગામની શાળાને ગામલોકોએ કરી તાળાબંધી, 195 વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ખતરો – Video
બનાસકાંઠાના સૂઇગામ તાલુકાના ડાભી ગામની શાળામાં શિક્ષકોની ભારે અછતને કારણે ગ્રામજનોએ શાળા બંધ કરાવી દીધી છે. 195 વિદ્યાર્થીઓ માટે માત્ર એક જ શિક્ષક હોવાથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહ્યું નથી. શાળામાં ક્લાર્ક, પટાવાળા અને બાઉન્ડ્રી વોલ જેવી સુવિધાઓનો પણ અભાવ છે. ગ્રામજનો શિક્ષકોની ભરતી અને અન્ય સુવિધાઓની માંગ કરી રહ્યા છે.
બનાસકાંઠાના સૂઇગામના ડાભી ગામે આવેલી શાળાને ગ્રામજનોએ સોમવારથી તાળા લગાવી દીધા છે અને એની પાછળનું કારણ છે શિક્ષકોની ઘટ. ગામની શાળામાં 195 જેટલા બાળકો અભ્યાસ કરે છે પરંતુ તેની વચ્ચે એક જ શિક્ષક હોવાના કારણે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. શાળામાં 7ના બદલે માત્ર એક જ શિક્ષક હોવાથી વિદ્યાર્થીઓને સારું શિક્ષણ નથી મળી શકતું. ઉપરાંત ક્લાર્ક અને પટાવાળાની જગ્યા પણ ખાલી છે. શાળાની આસપાસ બાઉન્ડ્રી વોલ નથી અને CCTVની સુવિધા પણ નથી. જેને લઇ ગ્રામજનોમાં નારાજગી છે. ગ્રામજનોની માગ છે કે જલ્દીથી જલ્દી. શિક્ષણની ઘટ સહિત અન્ય સુવિધા પૂરી પાડવામાં આવે. નહીંતર વિદ્યાર્થીઓનું ભણતર બગડશે.
તો આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું કે આગામી સમયમાં કાયમી શિક્ષકોની ઘટ પૂરી કરાશે. સાથે ઉમેર્યુ કે આ તાળાબંધીની કારણે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓનું ભણતર બગડશે. જેથી તાળાબંધી ના કરો.
આ તરફ, શાળામાં શિક્ષકોની ઘટ મામલે શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે પણ ખુલાસો આપ્યો કે શિક્ષકોની હાલ ભરતી અને ફેર બદલી ચાલી રહી છે. તેના કારણે શિક્ષકોની ઘટ હોઈ શકે. જલ્દી જ, શિક્ષણાધિકારી સાથે ચર્ચા કરી પ્રશ્નનો નિકાલ કરાશે.
Input Credit- Atul Trivedi- Banaskantha