ધોમધખતા તાપમાં હવે ગીરના સાવજો નહીં રહે તરસ્યા, વનવિભાગે તૈયાર કર્યા કૃત્રિમ વોટર પોઈન્ટ્સ- જુઓ Video
લોકસાહિત્યના શોખીનોએ સાવજડા સેંજળ પીવે દુહો તો ખાસ સાંભળ્યો જ હશે. જો કે હવે વિકાસની આંધળી દોટમાં ગીરમાં બારેમાસ ખળખળ વહેતી નદીઓ તો ભૂતકાળ બની ચુકી છે. અને માત્ર ચોમાસા દરમિયાન આ નદીઓમાં પાણી આવે છે ત્યારે ગીરના ઠાલામથ્થા અને અન્ય વન્યજીવોને ધોમધખતા તાપમાં પાણી માટે આમતેમ ભટકવુ ન પડે, તેને ધ્યાને રાખી વનવિભાગ દ્વારા કૃત્રિમ વોટર પોઈન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા છે.
સંતો, શુરા, અને સાવજોની ભૂમિ એટલે સોરઠ. આ સોરઠની ભૂમિ પર સાવજોની ભૂમિ તરીકે પણ જાણીતી છે. અહીં સાવજ માટે લોકસાહિત્યમાં લખાયુ છે કે સોરઠ ધરા જગ જુની, જગ જૂનો ગિરનાર, સાવજડા સેંજળ પીવે, ન્યાના નમણાં નરને નાર… જો કે સાવજડા સેંજળ પીવેની વાતો હવે માત્ર લોકસાહિત્યમાં જ રહી ગઈ છે અને હવે ગીરકાંઠે વસતા સાવજો જ્યાંથી મળે ત્યાંથી પાણી પીને તરસ છીપાવે છે. હવે ગીરકાંઠાની નદીઓ ચોમાસા સિવાય વહેતી નથી ત્યારે વનવિભાગ દ્વારા ગીરના જંગલમાં જુદા જુદા સ્થળે પાણીના કૃત્રિમ પોઈન્ટ્સ બનાવવામાં આવે છે. આથી વન્ય જીવો અને ગીરના સાવજો જ્યારે તરસ્યા થાય ત્યારે આ કૃત્રિમ વોટર પોઈન્ટ્સમાંથી પાણી પી તેમની તરસ છીપાવી શકે.
સાવજને દિવસનું 6 લીટર પીવે છે પાણી, ગીરમાં ઉભા કરાયા કૃત્રિમ વોટર પોઈન્ટ્સ
સામાન્ય રીતે એશિયાટિક લાયનને સવારે ઉઠતાવેંત પાણીની જરૂરિયાત રહે છે અને તે એકીસાથે 3 લીટર જેટલુ પાણી ગટગટાવી જાય છે અને સાંજના સમયે પણ ત્રણ લીટર જેટલુ પાણી પી જાય છે. ઉનાળાના ધોમધખતા તાપમાં તે 6 લીટરને બદલે દિવસનું 8 લીટર જેટલુ પાણી પી જાય છે. ત્યારે ગીરના સાવજો અને અન્ય પશુઓ મોજથી પાણી પી તેમની તરસ છીપાવી શકે તે માટે વનવિભાગે કૃત્રિમ જળસ્ત્રોત ઉભા કર્યા છે. જેમાથી પાણી પી તેઓ ઠંડક મેળવી શકે છે.
ગીરમાં વનવિભાગ 500થી વધુ કૃત્રિમ વોટર પોઈન્ટસ તૈયાર કર્યા
ઉનાળો શરૂ થતાં જ વન વિભાગ સક્રિય થઈ જતું હોય છે. કારણ કે ઉનાળામાં કુદરતી જળાશયો સુકાતા વન્યજીવોની હાલત કફોડી બનતી હોય છે. ત્યારે પ્રાણીઓને પીવાના પાણી માટે તરફડવું ન પડે તે માટે વિવિધ સ્થળો પર આ રીતે “કૃત્રિમ જળસ્ત્રોત” ઊભા કરવામાં આવે છે. હાલ ગીરના જંગલમાં આવાં 500 થી પણ વધુ “આર્ટિફિશિયલ વોટર પોઈન્ટ્સ” તૈયાર કરાયા છે.
Input Credit- Vijaysinh Parmar- Junagadh