અમરેલીના પ્રગતિશીલ ખેડૂતોએ વિકસાવી કેસરને પણ ટક્કર મારે એવી પંચરત્ન કેરીની જાત, 20 થી 25 દિવસ સુધી નથી બગડતી આ કેરી- Video

| Edited By: | Updated on: Aug 18, 2024 | 12:19 PM

અમરેલીના પ્રગતિશીલ ખેડૂતોએ કેરીની એક અલગ જ પ્રકારની જાત વિકસાવી છે. આ કેરી કેસર કેરીની સિઝન પુરી થયા બાદ આવે છે, જેના કારણે કેરી રસિકો હવે લાંબા સમય સુધી કેરીની મજા માણી શકશે. ખેડૂતોએ વિકસાવેલી આ પંચરત્ન કેરી કેસરને પણ ટક્કર મારે એવી છે અને તેની વિશેષતા એ છે કે તે 20 થી 25 દિવસ સુધી બગડતી નથી.

એકવાર ચોમાસુ જામે એટલે આંબાવાડીઓમાંથી કેરીની ફોરમ જાણે ગાયબ થવા લાગે, કારણ કે કેરી પાકે અને તેની ફોરમ પ્રસરે તે માટે ઉનાળાની રાહ જોવી પડે. જો કે અમરેલીના ડીટલા ગામે કંઈક અલગ જ નજારો સામે આવી રહ્યો છે. હાલ ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે. અને આમ તો આ મહિનામાં માર્કેટમાંથી કેરીઓ દેખાવાની બંધ થઈ જતી હોય છે. પરંતુ, અમરેલીના ધારી તાલુકામાં આવેલા ડીટલા ગામની આંબાવાડીઓમાં હજુ કેરીઓ ડાળી પર ઝળુંબી રહી છે. સમગ્ર બગીચો કેરીની ફોરમથી મહેંકી ઉઠ્યો છે. ભરચોમાસામાં પાકી રહેલી આ અનોખી કેરી એટલે “પંચરત્ન કેરી”. દાવો કરાઈ રહ્યો છે કે સ્વાદમાં આ કેરી “કેસર કેરી”ને પણ ટક્કર મારે એવી છે.

હકીકતમાં કેસર કેરી જેવી જ મીઠી કેરી મળે અને લોકોને બારેયમાસ કેરી ખાવા મળે તે માટે. ડીટલા ગામના પ્રગતિશીલ ખેડૂતો. છેલ્લા ઘણાં સમયથી સંશોધન કરી રહ્યા હતા. ખેડૂત હરેશભાઈ અને રણજીતભાઈ પોતાની કોઠાસૂઝથી છેલ્લાં અનેક વર્ષોથી આ અંગે પ્રયોગો કરી રહ્યા હતા. અને હવે તેમની આ મહેનત રંગ લાવી છે.

કેસર કેરીની સિઝન પૂર્ણ થયા બાદ પંચરત્ન કેરીનો પાક આવે છે. આ કેરીની વિશેષતા એ છે કે પાકી ગયા બાદ પણ આ કેરી 20 થી 25 દિવસ સુધી બગડતી નથી. શ્રાવણ અને દિવાળીમાં પંચરત્ન કેરીનો ફાલ આવે છે અને માત્ર ગુજરાતમાં જ નહીં રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ આ કેરી મોકલવામાં આવે છે.

પંચરત્ન કેરીની વિશેષતાથી આકર્ષાઈને હવે મોટી સંખ્યામાં અન્ય ખેડૂતો પણ તેને જોવા આવે છે. અને યોગ્ય માર્ગદર્શન મેળવીને વિવિધ પ્રકારની આંબાની કલમો લઈ જાય છે. જેમ વધુ પંચરત્ન કેરી માટે પ્રયાસ થશે. તેમ વધુ ઉત્પાદન થશે. આવનારા દિવસોમાં કેરી રસિયાઓને બારેમાસ કેરીનો સ્વાદ માણવા મળશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 18, 2024 12:18 PM