Rain Updates: રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોળશે મેઘરાજા

| Edited By: | Updated on: Sep 15, 2022 | 9:38 PM

Rain Updates: રાજ્યમાં વધુ બે દિવસ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં બે દિવસ મેઘરાજા (Rain) ફરી ગુજરાતને ઘમરોળશે. વરસાદને લઈને હવામાન વિભાગે વધુ બે દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે રાજ્યમાં ભારે વરસાદ થશે. જેમાં દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્ર (Saurashtra)માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે. એટલુ જ નહીં વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે તેવી આગાહી કરવામાં આવી છે.

બારડોલીમાં સવા પાંચ ઈંચ, નવસારીના વાંસદામાં 4 ઈંચ અને નર્મદાના નાંદોદમાં 4 ઈંચ વરસાદ

રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના 70 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં 50થી વધુ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ બારડોલી તાલુકામાં ખાબક્યો છે. બપોર સુધીમાં બારડોલીમાં સવા પાંચ ઈંચ વરસાદ ખાબકી ગયો છે. આ તરફ નવસારીના વાંસદામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કચ્છના ભુજ તાલુકામાં પણ 4 ઈંચ વરસાદ પડ્યો છે. નર્મદાના નાંદોદમાં પોણા ચાર ઈંચ વરસાદ પડ્યો છે તો ગીર સોમનાથ વેરાવળમાં પણ પોણા ચાર ઈંચ વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લાના ધરમપુર, પલસાણા અને વાપી શહેરમાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે.

ઉપલેટાનો મોજ ડેમ થયો ઓવરફ્લો

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. અનેક જગ્યાએ ડેમ ઓવરફ્લો થયા છે. જેમાં રાજકોટના જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલો મોજ ડેમ ઓવરફ્લો થયો છે. મોજ ડેમમાં 1292 ક્યુસેક પાણીની આવક થતા મોજ ડેમના બે દરવાજા બે ફુટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાંથી 1292 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. ડેમ ઓવરફ્લો થતો નીચાણવાળા વિસ્તારોમાં ન જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.