Mehsana: ઊંઝામાંથી ધમા મિલન ઉર્ફે ધર્મેન્દ્ર પટેલની જૂના પાસા કેસમાં ધરપકડ, આપમાંથી ચૂંટણી લડવાની કરી રહ્યા હતા તૈયારી

| Edited By: | Updated on: Oct 14, 2022 | 8:34 PM

Mehsana: ઊંઝામાંથી ધમા મિલન ઉર્ફે ધર્મેન્દ્ર પટેલની જૂની પાસા કેસમાં ગાંધીનગર પોલીસે ઉંઝા પહોંચીને ધરપકડ કરી છે. ધમા મિલન આમ આદમી પાર્ટીના સંભવિત ઉમેદવાર હોવાની પણ વિગતો સામે આવી છે તો બીજી તરફ તે આંટા કડાવા પાટીદાર સમાજના યુવા પ્રમુખ છે.

મહેસાણા (Mehsana)માં ઊંઝામાંથી ધમા મિલન ઉર્ફે ધર્મેન્દ્ર પટેલ (Dharmendra Patel)ની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર પોલીસે ઊંઝાથી ધર્મેન્દ્ર પટેલની પાસા હેઠળ ધરપકડ કરી છે. જૂના પાસા કેસમાં ધમા મિલનને દબોચી લેવામાં આવ્યા છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં ધમા મિલને ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ધમેન્દ્ર પટેલ આંટા કડવા પાટીદાર સમાજનો યુવા પ્રમુખ છે. ચૂંટણીમાં સમર્થન માટે ધમા મિલને સભા બોલાવી હતી. જો કે આ સભા યોજાય તે પહેલા જ ગાંધીનગર પોલીસે (Gandhinagar Police) મહેસાણા પહોંચી જઈ તેની પાસા હેઠળ ધરપકડ કરી છે. સાંજે 5.30 એ સભા યોજાવાની હતી. એ પહેલા જ તેની ધરપકડ થતા રાજકીય ગરમાવો આવી ગયો છે.

સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર ધર્મેન્દ્ર પટેલ ઉર્ફે ધમા મિલન આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા. જો કે આ અંગે હજુ સુધી કોઈ જાહેરાત થઈ ન હતી. પરંતુ ચૂંટણી લડવા માટે આંટા કડવા પાટીદાર સમાજનું સમર્થન જરૂરી હતુ. આ સમર્થન મેળવવા માટે જ સભા બોલાવાઈ હતી. ધર્મેન્દ્ર પટેલ આંટા કડવા પાટીદાર સમાજના યુવા પ્રમુખ પણ છે. આથી તેમની ધરપકડ થતા ઊંઝાનું રાજકારણ ગરમાયુ છે.

આપને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે. જેમાં આપના પ્રદેશ અધ્યક્ષના જૂના વીડિયો વાયરલ થતા ભાજપે આમ આદમી પાર્ટી પર પ્રહારોનો મારો વરસાવી રહી છે તો બીજી તરફ સુરતથી બારડોલી બેઠકના આપના ઉમેદવાર રાજન્દ્ર સોલંકી પણ 20 લાખની રોકડ મળતા વિવાદમાં આવ્યા છે.

ઈનપુટ ક્રેડિટ- મનિષ મિસ્ત્રી- મહેસાણા