Gujarati Video : બિલ્ડર જયેશ પારેખના આપઘાતના પ્રયાસ મામલે પોલીસે શરુ કરી તપાસ, હોસ્પિટલ પહોંચી મેળવી આ જાણકારી

| Edited By: | Updated on: Mar 21, 2023 | 5:59 PM

Vadodara News : જયેશ પારેખે તેમની ગોત્રી સ્થિત ઓફિસમાં ઊંઘની 30થી વધુ ગોળીઓ ખાઇને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. રુપિયા 3 કરોડથી વધુનું દેવું થઇ જતાં આર્થિક સંકડામણને કારણે બિલ્ડર જયેશ પારેખે આપઘાતનો પ્રયાસ કર્યો.

વડોદરામાં બિલ્ડર જયેશ પારેખ દ્વારા આપઘાતના પ્રયાસ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. DCP, ACP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ ગોત્રી પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોસ્પિટલ પહોંચ્યો હતો. ઝોન-2ના ઇન્ચાર્જ DCP જુલી કોઠીયા સહિતના અધિકારીઓએ હોસ્પિટલ પહોંચી સમગ્ર ઘટના અંગે માહિતી મેળવી છે. બીજી તરફ આપઘાતનો પ્રયાસ કરનાર બિલ્ડર જયેશ પારેખને ICUમાં ખસેડવામાં આવ્યા છે.

જયેશ પારેખે તેમની ગોત્રી સ્થિત ઓફિસમાં ઊંઘની 30થી વધુ ગોળીઓ ખાઇને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. રુપિયા 3 કરોડથી વધુનું દેવું થઇ જતાં આર્થિક સંકડામણને કારણે બિલ્ડર જયેશ પારેખે આપઘાતનો પ્રયાસ કર્યો. જયેશ પારેખે જમીન માલિક રમેશ પ્રજાપતિ અને લક્ષ્મણ ભરવાડ સહિતના વ્યાજખોરો દ્વારા સતત આપવામાં આવતી ધાકધમકીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનો સુસાઇડ નોટમાં આક્ષેપ કર્યો છે.

સુસાઇડ નોટમાં વ્યાજખોરોના નામ લખ્યા

આપઘાતનો પ્રયાસ કરતા પહેલા જયેશ પારેખે સુસાઇડ નોટ લખી છે. જેમાં તેમણે તમામ વ્યાજખોરોના નામ લખ્યા છે. જયેશ પારેખે સુસાઇડ નોટમાં રમેશ પ્રજાપતિ અને લક્ષ્મણ ભરવાડ સહિત કુલ 7 લોકો સામે ગંભીર આરોપો લગાવ્યા. સુસાઇડ નોટમાં રમેશ પ્રજાપતિ, લક્ષ્મણ ભરવાડ, વ્યોમેશ ચીમન પટેલ, કૌશિક ચીમન પટેલ, પિયુષ વિનયચંદ્ર શાહ, ગિરીશ પટેલ, સુનીલ અગ્રવાલના નામનો ઉલ્લેખ છે.

રમેશ પ્રજાપતિ ભાજપના નેતા દલસુખ પ્રજાપતિના ભાઇ છે. રમેશ પ્રજાપતિ બાંધકામ ચાલુ હોવા છતાં પ્રોજેક્ટની સાઇટ લોક કરી દઇ બાનાખત થવા ન દેતા હોવાનો જયેશ પારેખે આક્ષેપ કર્યો છે. બીજી તરફ લક્ષ્મણ ભરવાડને 2 કરોડથી વધુની રકમ ચૂકવી હોવા છતાં દર મહિના વ્યાજના 4.50 લાખ માગી ત્રાસ આપતા હોવાનું બિલ્ડરનું કહેવું છે.

આપઘાતનો પ્રયાસ કરનાર જયેશ પારેખના ભાણેજે રમેશ પ્રજાપતિ પર શ્રીજી સેરેનિટી નામની સાઇટ પર પોતાના માણસો બેસાડી સાઇટ લોક કરી હોવાનો આક્ષેપ કર્યો છે. શ્રીજી સેરેનિટી સાઇટ પર સિક્યોરિટીનો કોન્ટ્રાક્ટ રમઝાન નામના વ્યક્તિને આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.