ચોમાસામાં ભાવનગરના અનેક રસ્તાઓનુ થયુ ધોવાણ, મોટાભાગના રસ્તાઓ ખાડાગ્રસ્ત બનતા વાહનચાલકો ત્રાહિમામ
ભાવનગર શહેરના અનેક રસ્તાઓનુ ધોવાણ થયુ છે. અનેક રસ્તાઓ બિસ્માર બન્યા છે, રસ્તા પર રોડો ઓછો અને ખાડા વધુ જોવા મળી રહ્યા છે. આવા રસ્તા પર વાહનો ચલાવવા એ કોઈ જોખમથી ઓછુ નથી, છતા તંત્ર દ્વારા એક પણ રસ્તાનું સમારકામ કરવામાં આવતુ નથી.
ભાવનગર શહેરની ચોમાસામાં ભારે અવદશા થઇ છે. ભાવનગરની ઓળખ બદલાઇને ધીમે ધીમે ખાડાનગર થઇ રહી છે તેવી સ્થિતિ સર્જાઇ છે. ભાવનગરમાં મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓ પર નબળી ગુણવત્તાના રસ્તા બનાવવાનો આરોપ તો સતત લાગી જ રહ્યો છે. હવે શહેરના રસ્તાની હાલત એવી બિસ્માર છે કે વાહનચાલકોને રસ્તા પર વાહન લઇને નિકળતા પહેલા બે વાર વિચારવું પડે.
અનેક જગ્યાએ તો રસ્તાની હાલત એવી થઇ છે કે નક્કી કરવું ભારે પડે કે અહિંયા ખરેખર ક્યારેક પાકો રસ્તો હતો કે નહીં? મંત્રેશ કોમ્પ્લેક્સથી સુભાષનગર જતો રોડ, અને પરા વિસ્તારના અનેક રોડ રસ્તાની હાલત અતિશય દયનીય છે. હલકી ગુણવત્તાની સામગ્રી વાપરીને બનાવેલા રસ્તાઓની પાછળ કરોડોનું આંધણ થાય છે.
બીજી તરફ મનપાના પદાધિકારીઓ ચોમાસાનો હવાલો આપીને કામ હાલ શરૂ નહીં થાય પણ રસ્તાનું સમારકામ થશે તેવો દિલાસો આપ્યો છે. પ્રજા પાસે વેરા સ્વરૂપે ઉઘરાવેલા કરોડો રૂપિયા આવી રીતે રોડના ખાડા પૂરવામાં ચાલ્યા જાય છે. ત્યારે સવાલ એ થાય કે દર ચોમાસામાં કરોડો રૂપિયા ખર્ચવા છતાં રસ્તાની ગુણવત્તા કેમ સુધરતી નથી ? હવે ચોમાસુ પતે નહીં ત્યાં સુધી ભાવનગરના શહેરીજનોએ હાલાકી અને પારાવાર પરેશાની સાથે તાલ મેળવીને વાહન ચલાવવું પડશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો