ગુજરાત સહિત દેશભરમાં લોકો હની ટ્રેપનો શિકાર બનતા હોય છે. ત્યારે દ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપની જાળમાં ફસાવીને લૂંટ કરતી ટોળકી ઝડપાઈ છે. મળતી માહિતી અનુસાર બે દિવસ પહેલા વૃદ્ધને હનીટ્રેપની જાળમાં ફસાવી શરીર સુખ બાંધવાની વાત કરી લૂંટ ચલાવી હતી. 3 પુરુષ અને 2 મહિલા મળી કૂલ 5 લોકોની પોલીસે ધરપકડ કરી છે.
મહિલાએ વૃદ્ધને લાલચ આપીને અવાવરું સ્થળે લઈ ગયા બાદ ઢોર માર માર્યો હોવાનું પણ સામે આવ્યુ હતુ. અન્ય લોકોએ પણ ત્યાં જઈ વૃદ્ધને માર મારી 42 હજાર રુપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યુ છે. વૃદ્ધની ફરિયાદને આધારે પોલીસે આરોપી રાહુલ જામ,સોનલ જામ,રમેશ સંઘાર, સુનીતા સંઘાર ,સુમીત ચિંતામણીની ધરપકડડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ આ અગાઉ સુરતમાં સુરતના અડાજણ વિસ્તારના 45 વર્ષીય કોન્ટ્રાકટરને ફસાવી 5 લાખ પડાવ્યા હોવાની ઘટના બની હતી. અડાજણ વિસ્તારના પારલે પોઈન્ટ સરગમ શોપિંગ સેન્ટર નજીકની ઘટના બની હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અમન ઉલ્લા શેખે તેના કોન્ટ્રાક્ટર મિત્રને અર્જન્ટ કામનું કહી ઘરે બોલાવ્યો હતો.
કોન્ટ્રાકટરને રુમમાં બેસાડી દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. થોડી વારમાં નકલી PSI બની અમિત ઠક્કર તેના સાગરીતો સાથે રુમમાં આવી પહોંચ્યો હતો. ત્યાર બાદ કોન્ટ્રાકટરને હથકડી પહેરાવી, નગ્ન કરી માર મારીને વીડિયો બનાવ્યો હતો. આમ કરી પીડિત પાસેથી ટોળકીએ 5 લાખ રુપિયા પડાવ્યા હતા. સમગ્ર મામલે કોન્ટ્રાક્ટરે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉમરા પોલીસે અમિત ઠક્કર સહિત વિજય માળી, અલ્પેશ પટેલ, અમન ઉલ્લા શેખને ઝડપ્યા હતા.