હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ગઈકાલે પણ ગુજરાત અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે આણંદના બોરસદ – આંકલાવ હાઈવે પર પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડ્યો હતો.
હાઈવે પર ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ સાથે જ હાઈવે પર વિઝિબિલીટી ઓછી હોવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ વાહનો રોકવાની પણ ફરજ પડી હતી. મેઘરાજાએ ધડબડાટી બોલાવતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.
બીજી તરફ ગઈકાલે અમરેલીના લાઠીના આંબરડી ગામે ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડતા 5ના મોત થયા હતા. ખેતી મજૂરી દરમિાન ખેતમજૂરો પર વીજળી પડી હતી. એક યુવતી સહિત ચાર બાળકના વીજળી પડતા મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ખેત મજૂરી કરતા દેવીપૂજક પરિવારના 5 વ્યક્તિના મોત થયા હતા.