અમદાવાદ ગ્રામ્યની શાળામાં નવતર પ્રયોગ, વિદ્યાર્થીઓને ભણાવાશે ગીતાના શ્લોક

|

Jun 20, 2024 | 7:15 PM

અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં થતી પ્રાર્થના માટે ગીતાના શ્લોકને ખાસ ઓડિયો-વિઝ્યુઅલ ફોર્મમાં તૈયાર કરાયા છે. દર અઠવાડિયે વિદ્યાર્થીઓને ગીતાનો એક શ્લોક ભણાવ્યા બાદ વર્ષના અંતે એક સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં 11 હજારથી લઈ 51 હજાર સુધીના પ્રોત્સાહન ઈનામો આપવામાં આવશે.

અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં નવતર પ્રયોગ હાથ ધરાયો છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની DEO કચેરી હસ્તગત આવતી શાળાઓમાં હવે પ્રાર્થના દરમિયાન જ ગીતાના પાઠ પણ શીખવવાનો પ્રસ્તાવ મૂકાયો છે. ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને ગીતાના પાઠ પણ શીખવવામાં આવશે. બાળક ભણતરની સાથે ગણતરના પાઠ પણ શીખે તે હેતુ સાથે આ પ્રોજેક્ટ તૈયાર કરાયો છે.

પ્રોજેક્ટ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ભગવદ્ ગીતાના કુલ 51 જેટલા શ્લોકને અલગથી તારવવામાં આવ્યા છે. આ એવા શ્લોક છે કે જે સીધા વિદ્યાર્થીઓને બોધપાઠ આપે છે અને જીવન ઘડતર માટે પ્રેરણારૂપ બને છે. આમ તો રાજ્ય સરકાર પાઠ્ય પુસ્તકના માધ્યમથી બાળકોને ભગવદ્ ગીતાના પાઠ શીખવવા પ્રયત્નશીલ છે, પરંતુ અમદાવાદ ગ્રામીણ DEOએ થોડો નવતર પ્રયોગ હાથ ધરી અનોખો પ્રોજેક્ટ તૈયાર કર્યો. જેનું રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરીયા દ્વારા લોકાર્પણ કરાયું હતું.

શાળાઓમાં થતી પ્રાર્થના માટે ગીતાના શ્લોકને ખાસ ઓડિયો-વિઝ્યુઅલ ફોર્મમાં તૈયાર કરાયા છે. દર અઠવાડિયે વિદ્યાર્થીઓને ગીતાનો એક શ્લોક ભણાવ્યા બાદ વર્ષના અંતે એક સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં 11 હજારથી લઈ 51 હજાર સુધીના પ્રોત્સાહન ઈનામો આપવામાં આવશે. કચેરીના તાબા હેઠળ આવતી તમામ શાળાઓમાં આ પ્રોજેક્ટ સ્વેચ્છાએ લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે લઘુમતી શાળાઓને પણ આગ્રહ કરવામાં આવશે કે તેઓ પણ શાળામાં ગીતાના શ્લોકોનું પઠન કરાવે.

Next Video