Patan : સિદ્ધપુર GIDCમાંથી 4 મહિના પહેલા લીધેલા ઘીના નમૂના ફેઈલ, માલિક સામે થશે કડક કાર્યવાહી, જુઓ Video

| Edited By: | Updated on: Dec 13, 2024 | 3:04 PM

સિદ્ધપુરમાં આશરે ચાર મહિના પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સિદ્ધપુર GIDCમાં આવેલી એક ફેકટરીમાં બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. જ્યાંથી 5500 કિલો ઘી અશુદ્ધ નીકળ્યું હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.

રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા અનેક વાર બાતમીના આધારે ખાદ્યપદાર્થ બનાવતી ફેકટરી અને ખાદ્ય પદાર્થનું વેચાણ કરતી દુકાનોમાં દરોડા પાડવામાં આવે છે. ત્યારે સિદ્ધપુરમાંથી ભેળસેળયુક્ત ઘી ઝડપાયું હતુ. આશરે ચાર મહિના પહેલા સિદ્ધપુર GIDCમાંથી પકડાયેલું 5500 કિલો ઘી અશુદ્ધ નીકળ્યું હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.

ઘી માંથી વેજિટેબલ ઓઈલની ભેળસેળ હોવાનો ખુલાસો રિપોર્ટરમાં થયો છે. ડેરીવાલા ફાર્મ પ્રોડકટ નામની ફેકટરીમાં ભેળસેળવાળુ ઘી બનતુ હોવાનું સામે આવ્યુ છે. ફૂડ અને ડ્રગ્સની ટીમે 16.50 લાખની કિંમતનો ઘીનો જથ્થો સીઝ કર્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા ભેળસેળવાળું ઘી બનાવનારા ફેક્ટરી માલિક સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

દાહોદ ખરેડી GIDCમાંથી ઝડપાયુ હતુ નકલી તેલ

બીજી તરફ આ અગાઉ દાહોદ SOGએ બાતમીના આધારે દાહોદના ખરેડી GIDC ખાતે આવેલા ન્યુ બાબાજી એન્ટર પ્રાઇઝ નામના કારખાનામાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી પામોલીન તેલ સહીત નકલી ખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો હતો.પોલીસે કારખાનામાંથી અલગ અલગ બ્રાન્ડના તેલના પાઉચ, સ્ટીકરો સહિત અન્ય મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.પોલીસે 1 લાખ 17 હજાર રુપિયાનો તેલનો સહિત 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ કારખાના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.