અમરેલીના ‘ભગત’ સિંહનું પેસેન્જર ટ્રેનની અડફેટે મોત થતા વન્યપ્રેમીઓ સહિત ગ્રામજનોમાં ફેલાઈ શોકની લાગણી- Video

| Edited By: | Updated on: Jul 28, 2024 | 4:34 PM

ગુજરાત "સાવજ"નું ઘર છે. પરંતુ, આ ગુજરાતના જ રેલવે ટ્રેક હાલ સાવજ માટે કાળમુખા સાબિત થઈ રહ્યા છે. એમાં પણ ત્રણ દિવસ પહેલાં બનેલી એક ઘટનાએ લીલીયા રેન્જના ગ્રામજનોને અત્યંત દુ:ખી કરી દીધાં છે કારણ કે તેમણે આ વિસ્તારની શાન "ભગત" સિંહને ગુમાવી દીધો છે.

અમરેલીના લીલાયાના ભેસાણ ગામમાં ત્રણ દિવસ પહેલાં પેસેન્જર ટ્રેનની અડફેટે આવીને એક નર સિંહ મોતને ભેટ્યો. આ સિંહના મૃત્યુ સાથે જ વન્યજીવ પ્રેમીઓમાં તો શોકની લાગણી ફરી જ વળી છે. સાથે જ લીલીયા રેન્જમાં આવતા ગ્રામજનો પણ અત્યંત દુ:ખી થઈ ગયા છે અને તેનું કારણ છે મૃતક “સાવજ”નો સ્વભાવ.

સિંહોના સ્વભાવ પ્રમાણે તેમને નામ અપાતું હોય છે. ત્યારે મૃતક સિંહને સ્થાનિકો “ભગત”ના નામે બોલાવતા. અને તેનું સૌથી મોટું કારણ એ હતું કે “ભગત” જેવો સ્વભાવ ધરાવતા આ સિંહે એકપણ વખત કોઈ સ્થાનિક પર હુમલો ન હતો કર્યો કે ન તો હુમલાનો પ્રયાસ કર્યો હતો. પણ, તેમ છતાં તેની ધાક એવી હતી કે અન્ય રેન્જના સિંહ ક્યારેય લીલીયા રેન્જમાં ન હતા પ્રવેશતા. તેની જાજરમાન આભા અને વટને લીધે જ લોકો તેને આદર આપતા અને તેનું “ભગત” એવું નામ પાડ્યું હતું.

સ્થાનિકો “ભગત”ને “જીત” અને “જાંબા” નામે પણ બોલાવતા. “ભગત” સિંહના આકસ્મિક મૃત્યુને પગલે ક્રાકચ, લીલીયા, ભેસાણ, અંટાળિયા સહિતના ગામોમાં દુ:ખની લાગણી ફરી વળી છે. સ્થાનિકોનું કહેવું છે કે તેમણે તો ખરાં અર્થમાં તેમનું “ઘરેણું” ગુમાવી દીધું છે.

10 વર્ષથી વધુ ઉંમરના “ભગત” સાવજની “રુદ્ર” સિંહ સાથેની મિત્રતા પણ આ પંથકમાં એટલી જ ચર્ચામાં છે. બન્ને મિત્રો હંમેશા સાથે જ જોવા મળતા. મિત્રતા માટે અને પ્રેમાળ સ્વભાવ માટે ચર્ચામાં રહેતો “ભગત” મૃત્યુ પામવાને લીધે સ્થાનિકો અત્યંત દુ:ખી છે.

ભગત સિંહની યાદોને વાગોળતા સ્થાનિકો કહે છે કે તે વહેલી સવારે ત્રાડ પાડતો. પણ, ભગત લોકો સાથે પરિવારના સભ્ય જેવો જ ભળેલો હોઈ લોકોને ક્યારેય ડર ન હતો લાગતો. સૌરાષ્ટ્રના અમરેલી પંથકમાં રાજમાતા સિંહણ, મઘરાજ, લક્ષ્મી, રાજુલાની રાણી તેમજ ભગત જેવાં અનેક સાવજનો દબદબો રહ્યો. પરંતુ, રેલવે ટ્રેકને લીધે ભગત જેવો સાવજ ગુમાવવો પડ્યો તે અત્યંત દુ:ખની વાત છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો