Flood in Assam : તબાહી..તબાહી… 6 ગેંડા સહિત 104 હરણના કાઝીરંગા અભ્યારણ્યમાં મોત, 72 લોકોના પણ થયા મોત, જુઓ વીડિયો
Kaziranga National Park Video : આસામમાં પૂરના વિનાશનો સામનો પ્રાણીઓ પણ કરી રહ્યા છે. આસામના કાઝીરંગા નેશનલ પાર્કમાં પૂરના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 137 જંગલી પ્રાણીઓના મોત થયા છે. જેમાંથી 104 હોગ ડીયર, 6 ગેંડા અને 2 સાંભર પાણીમાં તણાઈ ગયા છે. ગયા દિવસે પૂરને કારણે વધુ છ લોકોના મોત થયા હતા, હવે કુલ મૃત્યુઆંક 72 પર પહોંચી ગયો છે.
Flood in Assam Video : આસામમાં પૂરના કારણે સ્થિતિ વધુ ખરાબ છે. રાજ્યમાં આવેલા વિનાશક પૂરના કારણે કાઝીરંગા નેશનલ પાર્કમાં છ ગેંડા સહિત 137 જંગલી પ્રાણીઓના મોત થયા છે. તમને જણાવી દઈએ કે પાર્કના અધિકારીઓ 99 પ્રાણીઓને બચાવવામાં સફળ રહ્યા છે. જેમાં બે ગેંડાના બચ્ચા અને બે હાથીના મદનિયાનો સમાવેશ થાય છે.
ડાયરેક્ટર સોનાલી ઘોષે આપી જાણકારી
104 હોગ ડીયર, 6 ગેંડા અને 2 સાંબર પૂરના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા, જ્યારે 2 હોગ ડીયર વાહનની ટક્કરથી મૃત્યુ પામ્યા હતા. એક ઓટર અન્ય કારણોસર મૃત્યુ પામ્યો. પાર્કના 233 કેમ્પમાંથી 70 ફોરેસ્ટ કેમ્પ હજુ પણ પાણી હેઠળ છે. કાઝીરંગા નેશનલ પાર્કના ફિલ્ડ ડાયરેક્ટર સોનાલી ઘોષે આ જાણકારી આપી છે.
કુલ મૃત્યુઆંક 72 પર પહોંચી ગયો
આસામમાં પૂરની સ્થિતિ તાજેતરમાં વધુ વણસી ગઈ છે, છેલ્લા 24 કલાકમાં પૂરને કારણે વધુ આઠ લોકોએ જીવ ગુમાવ્યા છે, પૂરથી કુલ મૃત્યુઆંક 72 પર પહોંચી ગયો છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા રવિવારે જાહેર કરાયેલા અહેવાલ મુજબ, ધુર્બી અને નલબારી જિલ્લામાં બે-બે અને કછાર, ગોલપાડા, ધેમાજી અને શિવસાગરમાં એક-એક વ્યક્તિએ પૂરમાં જીવ ગુમાવ્યો છે સ્થાનિક વહીવટી તંત્ર પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરીમાં વ્યસ્ત છે.