MONEY9: સોનામાં રોકાણ કરો પરંતુ ઘરેણામાં નહીં !

| Edited By: | Updated on: Mar 28, 2022 | 5:31 PM

સોનામાં રોકાણ કરવું જ હોય, તો બજારમાં ઘણા વિકલ્પ છે. તમે ગોલ્ડ બોન્ડ, મ્યુચ્યુઅલ ફંડ અને ઈટીએફમાં રોકાણ કરી શકો છો. રોકાણ માટે ઘરેણા ખરીદવા એટલે ખોટનો સોદો. કેવી રીતે ? જાણો આ વીડિયોમાં.

ધોળકાના વસંતભાઈને ખેતીવાડીમાં સારી કમાણી થઈ, તો તેમણે સોનાના ઘરેણાં (JEWELLERY)માં રોકાણ (INVESTMENT) કર્યું. તે વખતે 10 ગ્રામ સોનાનો ભાવ 55,000 રૂપિયાની આસપાસ હતો અને દસ તોલાના ઘરેણાં માટે, તેમણે મેકિંગ ચાર્જ (MAKING CHARGE) તથા જીએસટી સાથે કુલ 6 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. તેના એકાદ વર્ષ પછી પત્નીની સારવાર માટે અચાનક પૈસાની જરૂર પડી, એટલે તેઓ જ્વેલરને ત્યાં સોનું વેચવા પહોંચી ગયા, પરંતુ જ્વેલરે હિસાબ-કિતાબ કરીને જે ભાવ કહ્યો, તે સાંભળીને વસંતભાઈને તો જોરદાર જાટકો લાગ્યો.

વાસ્તવમાં તો, આ ઘરેણાં 20 કેરેટનાં હતાં, પણ વસંતભાઈને તે 24 કેરેટનાં ભાવે વેચવામાં આવ્યા હતા. ઉદાહરણ તરીકે, માની લો કે, 24 કેરેટ સોનાનો ભાવ 48,000ના સ્તરે છે, તો 20 કેરેટ સોનાનો ભાવ લગભગ 40,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થાય છે. ઓછામાં પૂરું જ્વેલરે 10 ટકા ડિસ્કાઉન્ટ પણ કાપી લીધું. આમ, જ્વેલરે વસંતભાઈને ઊંચા ભાવે ઘરેણાં વેચ્યા પણ ખરીદ્યા સસ્તા ભાવે. વસંતભાઈ માટે તો પત્નીની સારવાર મહત્ત્વની હતી, એટલે તેમણે ખોટ ખાઈને પણ 6 લાખનાં ઘરેણાં માત્ર 3.60 લાખ રૂપિયામાં વેચી દીધા.

ઘરેણામાં રોકાણ ખોટનો સોદો
વસંતભાઈ સાથે જે થયું એવું ભારતનાં ઘણા લોકો સાથે થાય છે. ખાસ કરીને, ગામડાંના મોટાભાગનાં લોકો જ્યારે પૈસા ભેગા કરે છે અને રોકાણ કરવા માટે ઘોડા દોડાવે છે, ત્યારે તેમના ઘોડા ઘરેણાંની દુકાને આવીને જ ઊભા રહે છે અને તેઓ ઘરેણાં ખરીદીને રોકાણ કરે છે. પરંતુ ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તેમને સમજાય છે કે, તેમણે જે ભાવ ચૂકવ્યો હતો તે અને ઘરેણાંના વેચાણભાવ વચ્ચે બહુ મોટો ફરક હોય છે. આમ, સરવાળે તેમણે ખોટ ખાવાનો વારો આવે છે.

નિષ્ણાત શું કહે છે?
કેડિયા એડવાઈઝરીના સ્થાપક અજય કેડિયા કહે છે કે, રોકાણ કરવા માટે સોનું ચોક્કસપણે સારો વિકલ્પ છે, પરંતુ ગોલ્ડ જ્વેલરી તો કોઈ પણ રીતે યોગ્ય વિકલ્પ નથી. રોકાણ માટે જ્વેલરી ખરીદી રહ્યાં હોવ તો ફાયદાની આશા ન રાખી શકો. આથી, ગોલ્ડ જ્વેલરીમાં તો ક્યારેય ઈન્વેસ્ટ ના કરશો. હા, પ્રસંગ માટે જ્વેલરી ખરીદી શકો પણ રોકાણ માટે નહીં. હંમેશા હોલમાર્કિંગ વાળા ઘરેણાં જ ખરીદવાનો આગ્રહ રાખો.

અજય કેડિયા કહે છે કે, સોનામાં રોકાણ માટે સૉવરિન ગોલ્ડ બોન્ડ સૌથી સારો વિકલ્પ છે. જો તમારી ઈચ્છા ફિઝિકલ ગોલ્ડ ખરીદવાની જ હોય, તો તેના માટે બેન્ક પાસેથી સિક્કા, બાર અથવા બિસ્કિટ ખરીદો. જો જ્વેલર પાસેથી તેની ખરીદી કરો, તો શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખો અને ભરોસાપાત્ર જ્વેલર પાસેથી જ માલ ખરીદો. જેટલું પણ સોનું ખરીદો તેનું પાક્કું બિલ પણ લેવાનું ન ભૂલશો.

શા માટે બિલ જરૂરી છે?
આમ તો, સરકારે હવે ગોલ્ડ જ્વેલરી પર હોલમાર્કિંગ ફરજિયાત કરી દીધું છે, છતાં અમુક જ્વેલર હજુયે હોલમાર્કિંગ વગરના ઘરેણાં વેચે છે. કેટલાક લોકો જીએસટી ન ભરવો પડે એટલે બિલ વગર જ્વેલરી ખરીદે છે. આ લાલચને કારણે ભવિષ્યમાં મોટું નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. આથી, જ્યારે પણ જ્વેલરી ખરીદો ત્યારે પાક્કું બિલ ચોક્કસપણે લો. આમ કરવાથી ઘણા ફાયદા થશે. ખરાબ સમયમાં જ્યારે પણ તમે જ્વેલરી વેચવા જશો, ત્યારે જ્વેલર તેની શુદ્ધતાને લઈને સવાલ નહીં કરી શકે. બિલ સાથે ઘરેણાં વેચશો તો જ્વેલર તેમાં કોઈ ગોટાળા નહીં કરી શકે.

જો તમે ઘર અને સામાનનો વીમો ઉતરાવ્યો હશે, તો ચોરી અથવા કુદરતી હોનારત બાદ ક્લેમ કરી શકશો. જો બિલ નહીં હોય તો, વીમા કંપની તમારો ક્લેમ ફગાવી દેશે. આવી જ સ્થિતિ બેન્ક લોકર માટે પણ લાગુ પડે છે. એટલું જ નહીં, આવકવેરા વિભાગ દરોડા પાડે ત્યારે બિલ સાથે ખરીદેલા ઘરેણાં જપ્ત થતાં નથી. આથી, જ્વેલરી ખરીદતી વખતે, જીએસટી બચાવવાની લાલચથી દૂર રહો અને પાક્કું બિલ માંગશો, તો વસંતભાઈની જેમ ખોટ નહીં ખાવી પડે.

મની નાઈનની સલાહ
રોકાણ માટે જ્વેલરી સારો વિકલ્પ નથી. જ્યારે પણ સોનું ખરીદો ત્યારે હોલમાર્કિંગનું ખાસ ધ્યાન રાખો. કેરેટના આધારે જ પૈસાની ચૂકવણી કરો. જેટલી પણ જ્વેલરી ખરીદો તેનું પાક્કું બિલ ચોક્કસથી લો. આ બિલ ભવિષ્યમાં તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

આ પણ જુઓ

કેટલા પ્રકારના હોય છે સ્યોરિટી બૉન્ડ?

આ પણ જુઓ

વર્ષની શરૂઆતમાં જ કરી લો ફાઇનાન્સિયલ પ્લાનિંગ, એપ્રિલ માટે નોંધી લો આ કામ