હૈદરાબાદના નરસિંહે અભ્યાસમાં તો ઘણી મહેનત કરી હતી. મોટી શાળામાં તો ન જઈ શક્યો પણ તેણે થોડીક કુશળતા શીખી લીધી હતી. ડેટા એન્ટ્રીનું કામ આવડતું હતું, એટલે આશા હતી કે હૈદરાબાદના નવા આઈટી માર્કેટમાં ક્યાંક કામ મળી જશે. નોકરી પણ મળી ગઈ. એક આઈટી કંપનીમાં ક્લાયન્ટ સર્વિસનું કામ કરવાનું હતું. મહિને ત્રીસથી પાંત્રીસ હજાર મળતા હતા.
નરસિંહના પિતા ગુંટુરમાં કૃષિ કોમોડિટીઝનો હોલસેલ બિઝનેસ હતો. નરસિંહ ક્યારેય એ કામ કરવા માંગતો નહોતો, તેથી તેણે થોડો સમય અભ્યાસ કર્યો અને સાથે જોબ વર્ક પણ કર્યું. પણ કોવિડ આવતાં જ તેની દુનિયા બદલાઈ ગઈ. કોરોનાની નજર તેને પણ લાગી ગઈ આઈટી કંપનીઓમાં વર્ક ફ્રોમ હોમ શરૂ થયું, કંપનીએ તેને છૂટો કરી દીધો.
ત્રણ વર્ષની નોકરીમાં નરસિંહ ખાસ બચત પણ નહોતો કરી શક્યો. નરસિંહે ઓલા ટેક્સી ચલાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ત્યાં પણ તેનું નસીબ કાચું પડ્યું. ગામડે જઈને મરચાંનો હોલસેલ બિઝનેસ કરવાની નરસિંહની ઈચ્છા તો નહોતી, પરંતુ બીજો વિકલ્પ નહોતો.
કોવિડ પછી ભારતનું રોજગારી માર્કેટ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક ભાગમાં એવા લોકો છે, જે હજુ હમણાં જ જોબ માર્કેટમાં પ્રવેશ્યા છે અને બીજા ભાગમાં એવા લોકો છે, જેમના કામ બંધ થઈ ગયા છે અને હવે રોજગારીની શોધમાં છે. એટલે કે બેરોજગારોના જૂથમાં જોડાઈ ગયા છે. નરસિંહ જેવા લોકો આ બીજી શ્રેણીમાં આવે છે.
નરસિંહ જેવા લોકો ના તો શ્રમ પોર્ટલ પર નોંધાયેલા અસંગઠિત મજૂર છે, ના તો સ્વરોજગારી મેળવતા ઉદ્યમી. સ્વરોજગારી મેળવતા લોકો કામધંધો ફરી શરુ કરવાના પ્રયાસમાં છે. તેમની ગાડી તો કૉર્પોરેટજગતમાં કામ શરૂ થાય પછી જ આગળ વધી શકે એમ છે.
ભારતમાં કામદારોની બહુ મોટી વસતિ એવી છે, જેમને બજેટથી કોઈ સીધી મદદ મળતી નથી. બજેટથી તો કંપનીઓને કર રાહતો અને પ્રોત્સાહનો મળે છે, બેંકોને સસ્તી લોન આપવાનું કહેવામાં આવે છે. તેનાથી એવી આશા રહે છે કે, કંપનીઓ રોકાણ કરશે, અને નરસિંહ જેવા લોકોને રોજગારી મળશે.
કોવિડ પછી બજેટમાં થયેલા પ્રયાસો સર્વિસ સેક્ટર માટે અપૂરતા રહ્યાં છે. ભારતના જીડીપીમાં સેવાઓનો હિસ્સો 60 ટકા છે અને તે સૌથી વધુ રોજગારી પેદા કરે છે. અર્થવ્યવસ્થાના વિકાસની સાથે, અસંખ્ય સેવાઓ શરૂ થઈ છે અને તેના દ્વારા ઘણા લોકોને રોજગાર મળી રહ્યો છે.
કોરોનાનો સૌથી મોટો ફટકો સર્વિસ સેક્ટરને જ પડ્યો છે, જ્યાં નરસિંહ જેવા લોકોને કામ મળતું હતું. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી એટલે, સી એમ આઈ ઈ (CMIE)નો ડેટા દર્શાવે છે કે, માર્ચ 2020થી ડિસેમ્બર 2021 સુધીમાં સર્વિસ સેક્ટરમાં હોટેલ અને પર્યટન ક્ષેત્રે 50 લાખ અને શિક્ષણ ક્ષેત્રે 40 લાખ નોકરીઓનો ભોગ લેવાઈ ગયો. આ ક્ષેત્રોને બેઠાં કરવામાં છેલ્લું બજેટ અસફળ રહ્યું
કોવિડની વારંવાર આવતી લહેરથી આ ક્ષેત્રોનાં ઘણા ધંધા સદાય માટે બંધ થઈ ગયા છે. કોવિડ પછી સરકારે જે થોડાં-ઘણા પગલાં ભર્યાં, તેનાથી નરસિંહ જેવા લોકોને પોતાના પીએફ ખાતામાંથી લોન લેવાની છૂટ મળી. સરકારે તેમની કંપનીઓને પીએફ યોગદાનમાં સબસિડી આપી, પરંતુ તેનાથી મર્યાદિત લાભ મળ્યો.
નરસિંહ જેવા લોકો જે કંપનીઓમાં કામ કરે છે, તેમની પાસે પાંચથી છ મહિના જેટલો જ કેશફ્લો હોય છે. એટલે, લોકડાઉન લાગુ થતાં જ તેમનો ધંધો ભાંગી પડ્યો અને કંપનીઓને તાળાં લાગી ગયા.
યુરોપ અને અમેરિકામાં પણ આવા ધંધાઓ પર સમાન અસર પડી હતી, પરંતુ ત્યાંની સરકારોએ બેરોજગારોને સીધી મદદ પહોંચાડી અને કંપનીઓને પ્રોત્સાહન આપીને રોજગારીને બચાવી રાખી, જેથી લોકોની આજીવિકા બચી ગઈ. પે ચેક પ્રોટેક્શન, અનએમ્પ્લોયમેન્ટ બેનિફિટ જેવા પ્રયાસોથી સર્વિસ સેક્ટરમાં બેરોજગારી પર બ્રેક મારવામાં મદદ મળી. ભારતમાં આવું કંઈ ના થઈ શક્યું
નરસિંહના અમુક સગાં અમેરિકા અને કેનેડામાં છે. તેમની પાસેથી જ નરસિંહને જાણવા મળ્યું કે, ત્યાંની સરકારોએ રોજગાર બચાવવા માટે સીધી મદદ પહોંચાડી છે. કંપનીઓએ પગાર નથી કાપ્યા અને નોકરી ગઈ તો, સરકારે ભથ્થાં પૂરા પાડ્યા.
નરસિંહને એક વાતની ખબર છે કે, અર્થવ્યવસ્થામાં તેજી આવશે તો જ, તેને કામ મળવાનું શરૂ થશે. નરસિંહની બીજી એક સમસ્યા એ છે કે, જ્યારે મંદી દૂર થશે અને નવેસરથી એકડો ઘૂંટવાનો આવશે ત્યારે ઘણી ટેકનોલોજી બદલાઈ ગઈ હશે અને તેણે નવી આવડત શીખવી પડશે. તેની ઈચ્છા માત્ર એટલી જ છે કે, શું ત્યાં સુધી તેને કોઈ સીધી મદદ ન મળી શકે?
આ પણ વાંચોઃ Budget 2022: શેર બજાર પર ટેક્સનો માર, કંઇક રાહત આપે સરકાર
આ પણ વાંચોઃ MSME સેક્ટરની બજેટ પાસેથી શું છે અપેક્ષા? શુ કોવિડમાં પડેલા મારનું વળતર મળશે?
Published On - 12:57 pm, Sun, 30 January 22