સમગ્ર ભારતમાં શ્રીહરિ વિષ્ણુના (vishnu) અને તેમના વિધ વિધ અવતારો સંબંધી સ્વરૂપોના તો અનેકવિધ મંદિરો પ્રસ્થાપિત છે. પણ, અમારે આજે વાત કરવી છે તેમના એક એવાં સ્વરૂપના મંદિરની કે જે ખૂબ જ ઓછાં જોવા મળે છે. પ્રભુનું આ રૂપ એટલે તેમનું વામન સ્વરૂપ. ગુજરાતના જૂનાગઢના વંથલી તાલુકામાં વામનદેવનું મંદિર વિદ્યમાન છે. દેખાવમાં તો આ મંદિર ખૂબ જ નાનું છે. પરંતુ, તેની મહત્તા કંઈક અદકેરી જ છે. ત્યારે આવો, આપણે પણ પ્રભુના આ જ દિવ્ય સ્વરૂપનો મહિમા જાણીએ.
જૂનાગઢ શહેરથી લગભગ 15 કિલોમીટરના અંતરે વંથલી નામે નગર આવેલું છે. દંતકથા અનુસાર આ વંથલી એ જ પૌરાણિકકાળનું વામનસ્થલી છે ! અહીં વામનજીનું ખૂબ જ નાનકડું મંદિર વિદ્યમાન છે. અને મંદિર મધ્યે વામન પ્રભુની અત્યંત ભાવવાહી પ્રતિમાના ભક્તોને દર્શન થઈ રહ્યા છે. વંથલીમાં વસનારા શ્રદ્ધાળુઓ માટે તો આ વામનદેવ જ જાણે તેમના સર્વે સર્વા છે. કારણ કે ભક્તોને પરચાઓ પૂરીને વામન પ્રભુ અહીં તેમનો સાક્ષાત્કાર કરાવતા જ રહ્યા છે.
ઇતિહાસમાં વંથલીનો ઉલ્લેખ વામનપુર, વામનધામ તેમજ વામનસ્થલી તરીકે જોવા મળે છે. કહે છે કે આ જ વામનસ્થલીનું અપભ્રંશ થઈ વનસ્થલી બન્યું. અને વનસ્થલીનું અપભ્રંશ થઈને બન્યું વંથલી. જૂનાગઢના ગુપ્તવંશના શાસકો પ્રભુ વામનના જ ઉપાસક હતા. અને તેઓ સરકારી દસ્તાવેજો પર સર્વ પ્રથમ વામનદેવની પ્રાર્થના લખીને જ આગળ લખાણનો પ્રારંભ કરતા.
અસુર રાજ બલિના મહાયજ્ઞની અને વામન પ્રભુના તેમની પાસે ત્રણ ડગલા ભૂમિ દાન માંગવાની કથા અત્યંત પ્રચિલત છે. દંતકથા એવી છે કે રાજા બલિએ ઈન્દ્રાસન પર આરુઢ રહેવાની ઈચ્છાને વશ થઈ 101 સોમયજ્ઞનો સંકલ્પ લીધો. જો રાજા બલિ આ યજ્ઞ પૂર્ણ કરી દે તો તેમને પરાસ્ત કરવું સૌના માટે અશક્ય બની જાત. ત્યારે દેવતાઓની પ્રાર્થનાને વશ થઈ શ્રીવિષ્ણુએ ઋષિ કશ્યપ અને માતા અદિતીના ઘરે વામન રૂપે જન્મ લીધો. કહે છે કે રાજા બલિએ તેમનો અંતિમ યજ્ઞ આજના વંથલીમાં જ કરવાનો નિર્ણય લીધો. પરંતુ, યજ્ઞ શરૂ થાય તે પહેલાં જ વામનદેવે અહીં પધારી રાજા બલિ પાસે ત્રણ પગલા ભૂમિનું દાન માંગ્યું.
રાજા બલિએ દાનનું વચન આપ્યું. ત્યારબાદ વામન દેવે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. તેમણે એક ડગથી પૃથ્વીલોક અને બીજા ડગથી સ્વર્ગલોકને જીતી લીધું. ત્રીજા પગલા માટે કોઈ સ્થાન ન રહેતા રાજા બલિએ તેમનું સર્વસ્વ જ શ્રીહરિને અર્પણ કરી દીધું. રાજા બલિનો બધો ગર્વ ઓગળી ગયો. તેઓ ખરા અર્થમાં વિષ્ણુભક્ત બન્યા. શ્રીહરિએ બલિના મસ્તક પર પગ મૂકી તેમને પાતાળલોકમાં મોકલી દીધાં. માન્યતા છે કે રાજા બલિ આજે પણ જીવિત છે અને પાતાળમાં રાજ સંભાળે છે. અલબત્, આ ઘટનાની સાક્ષી બનેલી ભૂમિ વામનસ્થલી તરીકે પ્રચલિત થઈ. અને ત્યાં ઠેર-ઠેર વામનદેવની પૂજા થવા લાગી. જેની સાક્ષી પૂરી રહ્યું છે વંથલીનું વામનદેવનું મંદિર.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચોઃ ગણેશજીએ શા માટે પ્રગટ કર્યું હતું ત્રીજું નેત્ર ? જાણો કાશીના બડા ગણેશજીના ત્રિનેત્રનું રહસ્ય !
આ પણ વાંચોઃ અહીંની દરેક શિલા પર છે શિવજી ! સિરસીમાં કેવી રીતે થયું સહસ્ત્ર શિવલિંગનું પ્રાગટ્ય ?