અક્ષય તૃતીયા પર કેમ અહીં મૂર્તિના ચરણ સ્પર્શવા ઉમટી પડે છે શ્રદ્ધાળુઓ ? પૌરાણિક કાળની સુદામાપુરીનો મહિમા જાણો

| Edited By: | Updated on: Apr 22, 2023 | 8:56 AM

સુદામાપુરીના (sudamapuri) મંદિરમાં સુદામા અને શ્રીકૃષ્ણ બંન્ને ભક્તોને એકસાથે દર્શન આપી રહ્યા છે. અહીં ગર્ભગૃહ મધ્યે શ્રીસુદામાજીની દિવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. તો સુદામાજીની જમણી તરફ તેમના પરમ સખા શ્રીકૃષ્ણ રાધારાણી સાથે ભક્તોને દર્શન આપી રહ્યા છે.

વૈશાખ માસના શુક્લ પક્ષની તિથિને આપણે અખાત્રીજ તરીકે ઓળખીએ છીએ. અખાત્રીજનો આ અવસર આમ તો લક્ષ્મીનારાયણના દર્શન અને પૂજનનો અવસર મનાય છે. આ અક્ષય તૃતીયાથી જ ચારધામની યાત્રાનો પ્રારંભ થતો હોય છે અને આ દિવસે મોટાભાગના વિષ્ણુ મંદિરોમાં ભક્તોનો વિશેષ ધસારો પણ જોવા મળે છે. પરંતુ, અમારે આજે એક એવાં મંદિરની વાત કરવી છે કે જ્યાંની મુખ્ય પ્રતિમા શ્રીવિષ્ણુની તો નથી. પણ, અહીં અક્ષય તૃતીયાના દર્શન અક્ષય ફળદાયી મનાય છે. કારણ કે, અહીં બિરાજમાન થયા છે શ્રીકૃષ્ણના પરમ સખા સુદામાજી ! આવો જાણીએ કે ક્યાં આવેલું છે આ મંદિર ? અહીં દર્શન માત્રથી શ્રદ્ધાળુઓને કેવાં પુણ્યની થાય છે પ્રાપ્તિ અને શા માટે અહીં ભક્તોને આપવામાં આવે છે ખૂબ જ અનોખો પૌંઆ પ્રસાદ ? આવો, તે વિશે વિગતે માહિતી મેળવીએ.

પૌરાણિક કાળની સુદામાપુરી !

ગુજરાતના પોરબંદર જિલ્લામાં આવેલું પોરબંદર શહેર તેને પ્રાપ્ત થયેલા દરિયાકિનારા, પ્રાચીન સ્થાપત્યો તેમજ મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન તરીકે જગવિખ્યાત છે. પણ, ઘણાં ઓછાં લોકો એ જાણતા હશે આ નગરી એટલે જ પૌરાણિક કાળની સુદામાપુરી ! ભગવાન શ્રીકૃષ્ણના અત્યંત પ્રિય સખા સુદામાની નગરી. પ્રચલિત માન્યતા અનુસાર સુદામાજીનો જન્મ આજના પોરબંદરમાં જ થયો હતો. અને આજે આ જ દિવ્ય ભૂમિ પર એક સુંદર મંદિર શોભાયમાન છે.

સુદામા-કૃષ્ણના એકસાથે દર્શન !

સુદામાપુરીના મંદિરમાં સુદામા અને શ્રીકૃષ્ણ બંન્ને ભક્તોને એકસાથે દર્શન આપી રહ્યા છે. અહીં ગર્ભગૃહ મધ્યે શ્રીસુદામાજીની દિવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. સુદામાજીની ડાબી તરફ તેમના પત્ની સુશીલાજી બિરાજમાન છે. તો સુદામાજીની જમણી તરફ તેમના પરમ સખા શ્રીકૃષ્ણ રાધારાણી સાથે ભક્તોને દર્શન આપી રહ્યા છે. આમ તો સમગ્ર વર્ષ દરમિયાન શ્રદ્ધાળુઓ અહીં મોટી સંખ્યામાં ઉમટતા જ રહે છે. પરંતુ, અહીં અખાત્રીજના અવસરે દર્શનનો સવિશેષ મહિમા છે.

અખાત્રીજના દર્શનનો મહિમા

અત્યંત દારુણ ગરીબીમાં જીવતા સુદામાજી તેમના પત્ની સુશિલાના કહેવાથી દ્વારિકાધીશને મળવા દ્વારિકા ગયા હતા. અને સુદામાજીનું નામ સાંભળતા જ ભગવાન તેમને મળવા ખુલ્લા પગે દોડી આવ્યા હતા. શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં વર્ણિત આ કથા પ્રભુના અત્યંત પ્રેમાળ સ્વરૂપનો પરિચય આપે છે. પણ, પ્રચલિત માન્યતા એવી છે કે આ ઘટના અક્ષય તૃતીયાના પાવન અવસરે જ બની હતી. કહે છે કે એ અક્ષય તૃતીયાનો જ દિવસ હતો કે જે દિવસે સુદામાજી દ્વારિકાધીશને મળવા સુદામાપુરીથી નીકળ્યા હતા. માન્યતા અનુસાર તે સમયે સુદામાપુરીમાં લોકો ટોળે વળ્યા અને દ્વારિકાધીશ સુધી પોતાની વાત પહોંચાડવાની સુદામાજીને પ્રાર્થના કરી હતી. જેના પ્રતિક રૂપે આજે પણ લોકો અખાત્રીજે આ મંદિરમાં ઉમટે છે. અને જેમના ચરણોને સ્વયં પ્રભુએ પોતાના અશ્રુથી ધોયા હતા, તેવા સુદામાજીના ચરણોને સ્પર્શ કરીને ધન્યતા અનુભવે છે.

રહસ્યમય પૌંઆ પ્રસાદ !

શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં ઉલ્લેખ છે તેમ, સુદામાજી જ્યારે મિત્રને મળવા દ્વારિકા પહોંચ્યા ત્યારે તેમની સાથે 4 મુઠ્ઠી પૌંઆ એટલે કે તાંદુલ લઈ ગયા. આ પૌંઆ પણ તેમના પત્ની સુશીલાજી આસપાસના બ્રાહ્મણ પરિવારોમાંથી માંગીને લાવ્યા હતા. જેમાંથી માત્ર 2 મુઠ્ઠી પૌંઆ ગ્રહણ કરીને શ્રીકૃષ્ણએ સુદામાજીને બે લોકનું રાજ આપી દીધું હતું. એટલું જ નહીં, આખી સુદામાપુરી જ સુવર્ણની બનાવી આપી હતી ! પૌંઆથી પ્રસન્ન થઈ શ્રીકૃષ્ણએ સુદામાજીને ઈન્દ્રલોક જેવો મહેલ આપ્યો. એ જ કારણ છે કે અહીં આજે પણ ભક્તોને પ્રસાદ રૂપે પૌંઆ જ આપવામાં આવે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)