MONEY9: રશિયા-યુક્રેન ઘર્ષણે ઘરઆંગણે કપાસમાં લગાડી આગ, કાપડના તાણાવાણા વિખાયા

| Edited By: | Updated on: Mar 23, 2022 | 4:40 PM

કપાસના ભાવ પ્રતિ ક્વિન્ટલ 11,000 રૂપિયાને પાર થઈ ગયા છે. ઉત્પાદન ઘટવાના સંકેત મળી રહ્યાં છે. ખેડૂતો સારો ભાવ મળવાની આશાએ ગંજ બજારોમાં ઓછો માલ ઠાલવી રહ્યાં છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે નિકાસ પર બ્રેક વાગી ગઈ છે.

રશિયા-યુક્રેન યુદ્ધ (RUSSIA UKRAINE WAR) સાથે જોડાયેલા પ્રત્યેક સમાચારને તિરુપુરના કપડાં (TEXTILE)ના વેપારીઓ કાન દઈને સાંભળી રહ્યાં છે. તામિલનાડુ સ્થિત તિરુપુરને ભારતનું હોઝિયરી કેપિટલ કહેવામાં આવે છે, પણ અહીંના બજારોની હાલત ખરાબ છે. કોરોના બાદ તળિયે પહોંચેલી માંગ, મોંઘુંદાટ કાચું તેલ, કન્ટેનરની અછત, વધતાં ભાડાં જેવી અનેક મુશ્કેલીઓથી તિરુપુરના વેપારીઓ પરેશાન છે, પરંતુ એકમાત્ર નિકાસ (EXPORT)ના જોરે તેઓ ટકી રહ્યાં છે. આમ તો, તિરુપુરના વેપારીઓ રશિયા કે યુક્રેનમાં માલની સીધી નિકાસ કરતાં નથી, પરંતુ તેમની નિકાસમાં યુરોપીયન દેશોનો હિસ્સો 40 ટકા હોવાથી તેમની ચિંતા વધી છે, કારણ કે, યુરોપીયન દેશોમાં રશિયા અને યુક્રેનના બજારો પણ સામેલ છે. તિરુપુરથી દર મહિને 3,000 કરોડ રૂપિયાના માલની નિકાસ થાય છે.

કોરોનાના કેસ અટક્યા અને મશીનો ધમધમતાં થયા, એટલે ભારતમાંથી નિકાસ વધવા લાગી હતી. 2021ના એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન, ભારતે 29.8 અબજ ડૉલરના ટેક્સટાઈલ એપેરલ તથા હેન્ડીક્રાફ્ટની નિકાસ કરી હતી, જે નાણાકીય વર્ષ 2020-21ના સમાન સમયગાળાની સરખામણીએ લગભગ 41 ટકા વધારે છે. તિરુપુર એક્સપોર્ટ એસોસિએશનને અંદાજ છે કે, જો યુદ્ધ તાત્કાલિક ધોરણે બંધ નહીં થાય, તો મહિનાના 1,200 કરોડ રૂપિયાના વેપાર પર સીધી અસર પડશે. યુદ્ધના પરિણામે, સ્થાનિક સ્તરે મોંઘા થયેલા કાચા માલ એટલે કે કોટનની મોંઘવારીને રોકવી એક મોટો પડકાર છે.

કપાસનું ઉત્પાદન કરતાં મુખ્ય રાજ્યોમાં એક ક્વિન્ટલનો ભાવ 11,000 રૂપિયાની ઉપર પહોંચી ગયો છે. ગયા વર્ષની સરખામણીએ, આ વર્ષે કપાસનો ભાવ લગભગ 62 ટકા વધી ગયો છે. ભારતના મુખ્ય માર્કેટ યાર્ડ રાજકોટમાં મહત્તમ ભાવ પ્રતિ ક્વિન્ટલ 11,000 રૂપિયાને પાર થઈ ગયો છે, જે ગયા વર્ષ દરમિયાન 6,775 રૂપિયા જ હતો. કોટનની મોંઘવારી ખરેખર માથાનો દુખાવો છે, તેનાથી યાર્નના ભાવ વધે છે અને પરિણામે કપડાં મોંઘા થાય છે. કારણ કે, યાર્ન બનાવવામાં 80 ટકા ખર્ચ કોટનનો હોય છે અને કપડાંની બનાવટમાં 25 ટકા ખર્ચ યાર્ન પાછળ થાય છે.

કપાસ મોંઘું થયું, એટલે ટેક્સટાઈલ ઉદ્યોગનો ખર્ચ પણ વધ્યો અને પરિણામે કપડાં મોંઘાં થયા. એટલે જ, મોલમાં કે દુકાનમાં કપડાંના ભાવ પર લાગેલા સ્ટિકર જોઈને લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે. સરકારના આંકડા પણ સાક્ષી પુરાવે છે કે, કપડાંની મોંઘવારી છેલ્લાં છ મહિનાથી વધી રહી છે. કપડાંની મોંઘવારીનો દર ભારતના સરેરાશ મોંઘવારી દર કરતાં સતત ઊંચો રહ્યો છે.

કપાસ બજાર કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે ઉત્પાદનમાં પાંચ લાખ ગાંસડી ઘટાડો થવાનો અંદાજ છે. પહેલાં અંદાજ હતો કે, ભારતમાં 348 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થશે, પરંતુ હવે આ અંદાજ ઘટાડીને 343 લાખ ગાંસડી કરવામાં આવ્યો છે. ઓછામાં પૂરું, ખેડૂતો પણ આ વર્ષે સારો ભાવ મળવાની આશા રાખીને કપાસ વેચવાનું ટાળી રહ્યાં છે. એટલે જ, આ વર્ષે ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીમાં ગંજ બજારોમાં માત્ર 192 લાખ ગાંસડી જ કપાસ આવ્યો છે, જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળામાં બજારોમાં 255 લાખ ગાંસડી કપાસની આવક થઈ હતી. ઓછી આવક એટલે ડિમાન્ડ સામે અપૂરતો સપ્લાય અને અપૂરતા સપ્લાયને કારણે વધતાં ભાવની આગમાં ઘી હોમાશે. જો સપ્લાયમાં વધારો નહીં થાય, તો નિકાસ પર તેની અસર પણ દેખાવાનું શરૂ થઈ જશે.

સપ્લાય વધે તે માટે ઉદ્યોગજગતે કપાસ પર લાગતી 11 ટકા આયાત જકાતને ઘટાડવાની અથવા તો નાબૂદ કરવાની માંગણી સરકાર સમક્ષ મૂકી છે, પરંતુ કપાસનું સૌથી વધુ ઉત્પાદન કરતાં ગુજરાતમાં આ વર્ષે ચૂંટણી છે, એટલે સરકાર આયાત-જકાત ઘટાડીને ખેડૂતોને નારાજ કરવાના મૂડમાં નથી. કદાચ આ કારણને લીધે જ, કપડાં પર જીએસટી વધારવાનો નિર્ણય પણ અભરાઈએ ચઢી ગયો છે.

આ પણ જુઓ

કરિયાણું કેટલું મોંઘું થયું અને હજુ કેટલું થશે?

આ પણ જુઓ

હવાઈ-ઈંધણના ભાવ આસમાને પહોંચતાં એવિએશન ઉદ્યોગની પાંખ કપાઇ