ભક્તોને કર્મ અનુસાર ફળની પ્રાપ્તિ કરાવે છે કર્મનાથ મહાદેવ ! જાણો સુરતના અદભુત શિવધામનો મહિમા

|

Apr 25, 2022 | 8:53 AM

કર્મનાથ એટલે તો કર્મ અનુસાર ફળની પ્રાપ્તિ કરાવતા મહાદેવ. એટલે કે ભક્ત જેવી ભાવના સાથે અહીં આવે છે, અને જેટલાં શુદ્ધ તેના કર્મ છે તે અનુસાર જ મહેશ્વર ફળની પ્રાપ્તિ કરાવે છે ! અલબત્, સદીઓ પૂર્વે અહીં દેવાધિદેવ કર્દમનાથ મહાદેવના નામે પૂજાતા હતા.

સમગ્ર ભારતમાં અનેકવિધ શિવાલય (Shivalaya) આવેલાં છે. માહાત્મ્ય અને સ્થાપત્યની દૃષ્ટિએ દરેકની આગવી જ મહત્તા છે. ત્યારે અમારે આજે વાત કરવી છે ગુજરાતમાં જ આવેલ એક એવાં શિવ મંદિરની કે જેની શોભાને શબ્દોમાં વર્ણવવી અશક્ય છે. આ સ્થાનક એટલે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલું કર્મનાથ મહાદેવનું (Karmnath Mahadev) મંદિર. આ અદભુત શિવ મંદિર પાવની તાપી નદીના કિનારે સ્થિત છે.

વેલબુટ્ટાની સાદગીપૂર્ણ ભાત અને મનને શાંતિ પ્રદાન કરે તેવાં રંગોથી આખુંય શિવાલય શોભાયમાન છે. મંદિર એટલું તો સુંદર લાગે છે કે બસ આપણે નિહાળતા જ રહી જઈએ. આ મંદિર તો જાણે સ્થાપત્ય શૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તો, આ ભવ્ય મંદિરમાં શ્રદ્ધાળુઓને થઈ રહ્યા છે એક અત્યંત દિવ્ય શિવલિંગના દર્શન.

અહીં મંદિરના ગર્ભગૃહ મધ્યે એક ખૂબ જ નાનકડું શિવલિંગ વિદ્યમાન છે. મહેશ્વરનું આ રૂપ એટલે જ કર્મનાથ મહાદેવ. કહે છે કે આ નાનકડાં શિવલિંગનો ખૂબ જ મોટો મહિમા છે. એક માન્યતા અનુસાર કર્મનાથ એટલે તો કર્મ અનુસાર ફળની પ્રાપ્તિ કરાવતા મહાદેવ. અર્થાત્, ભક્ત જેવી ભાવના સાથે અહીં આવે છે, અને જેટલાં શુદ્ધ તેના કર્મ છે તે અનુસાર જ મહેશ્વર ફળની પ્રાપ્તિ કરાવે છે ! દેવાધિદેવના આ દિવ્ય રૂપના અહીં પ્રસ્થાપિત થવાનું નિમિત્ત તો બન્યા હતા ઋષિ કર્દમ.

ઋષિ કર્દમ એ સ્વયંભૂ મન્વંતરમાં થયેલાં બ્રહ્મમાનસ પુત્ર હતા. તેમણે મનુ-શતરુપાની પુત્રી દેવહુતિ સાથે લગ્ન કર્યા હતા. આ વિવાહથી કર્દમ ઋષિને નવ પુત્રીઓની પ્રાપ્તિ થઈ. કહે છે કે આ નવપુત્રીઓથી જ સમસ્ત સંસારનો વિસ્તાર થયો. ઋષિ કર્દમને ત્યાં સ્વયં ભગવાન વિષ્ણુએ પુત્ર રૂપે અવતરણ કર્યું. આ પુત્ર એટલે કપિલમુનિ. પુત્ર કપિલનો જન્મ થતાં જ પત્ની દેવહુતિને આપેલાં વચન અનુસાર ઋષિ કર્દમ સંસાર ત્યાગી ઘોર તપસ્યા માટે નીકળી પડ્યા. તેઓ પાવની તાપીના કિનારે આવ્યા. કહે છે કે તેમણે જ અહીં સ્વહસ્તે શિવલિંગની સ્થાપના કરી અને ત્યારબાદ અખંડ તપસ્યા કરી.

દંતકથા અનુસાર આજે પણ અહીં મંદિરમાં એ જ શિવલિંગ સ્થાપિત છે કે જેની સ્થાપના સ્વયં ઋષિ કર્દમે કરી હતી. કર્દમ ઋષિ દ્વારા સ્થાપિત હોઈ શિવલિંગ પૂર્વે ‘કર્દમનાથ મહાદેવ’ના નામે પૂજાતું. અલબત્, આજે અપભ્રંશ બાદ તે કર્મનાથ મહાદેવના નામે ખ્યાત છે. સ્વયં ‘હરિ’ના પરમ ભક્ત દ્વારા ‘હર’નું રૂપ સ્થાપિત હોઈ આ શિવલિંગ સર્વ મનશાની પૂર્તિ કરનારું મનાય છે. જેના પરચા શ્રદ્ધાળુઓને અહીં સદીઓથી મળતા જ રહ્યા છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ અહીંની દરેક શિલા પર છે શિવજી ! સિરસીમાં કેવી રીતે થયું સહસ્ત્ર શિવલિંગનું પ્રાગટ્ય ?

આ પણ વાંચોઃ અહીં ચાલે છે અંજનીસુતની અદાલત, જાણો મેહંદીપુરના બાલાજીનો મહિમા

Next Video