શું તમે પણ ઈન્કમટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવા માટે ફોર્મ 16 (Form-16) ની રાહ જોઈ રહ્યા છો? ઘણીવાર નોકરિયાત વર્ગના લોકો ITR ફાઈલ કરવા માટે ફોર્મ 16નો ઉપયોગ કરે છે… ઘણી વખત કોઈ કારણસર કંપની પાસેથી ફૉર્મ-16 નથી મળી શકતું.. પરંતુ કદાચ બહુ ઓછા લોકો જાણતા હોય છે કે ITR ફૉર્મ-16 વગર પણ ફાઈલ કરી શકાય છે..
ITR ફાઈલ કરવા માટે ફૉર્મ-16 ખુબ જ જરૂરી છે. તેમાં કર્મચારીને આપવામાં આવેલી સેલેરી, એલાઉન્સ અને ડિડક્શનનો ઉલ્લેખ હોય છે… એટલું જ નહીં, તેમાં કંપની એટલે કે એમ્પ્લોયર દ્વારા સેલેરી પર કપાત કરાયેલ TDS એટલે કે ડિડક્ટેડ એટ સોર્સની માહિતી પણ છે.
ફૉર્મ-16 ના હોય તો..વ્યક્તિ કપાતનો દાવો કરવા માટે
– સેલેરી સ્લિપ (Salary slip)
– ફોર્મ 26AS
– ઈન્વેસ્ટમેન્ટ રેકોર્ડ્સ (Investment records)
જેવા દસ્તાવેજોનો ઉપયોગ કરીને ITR ફાઇલ કરી શકે છે.
ફૉર્મ-16 વિના ITR ફાઇલ કરવા માટે, તમારે કેટલાક સ્ટેપ ફોલો કરવા પડશે.
જો તમારી પાસે ફૉર્મ-16 નથી તો ફૉર્મ 26AS (Form 26AS) દ્વારા પણ તમે તમારા TDS અને TCS વિશે જાણકારી મેળવી શકો છો. ફૉર્મ 26ASમાં તમારા PAN પર કાપવામાં આવેલ અને જમા થયેલા તમામ ટેક્સની જાણકારી હોય છે. એમ્પ્લૉયર અને બેંક તરફથી કપાયેલા ટેક્સની સાથે સાથે એડવાન્સ ટેક્સ, હાઈ વેલ્યૂ દેવડદેવડની પણ માહિતી તેમાં હોય છે. તમારા એમ્પ્લૉયરે આખા વર્ષ દરમિયાન જો TDS કાપ્યો છે તો તેને ફૉર્મ 26ASમાં અપાયેલ TDS ડિટેલ્સ સાથે સરખાવો. જો કોઈ વધુ TDS કપાયેલા છે તો તેને રિટર્નમાં મેન્શન કરો.
રિટર્ન ફાઈલ કરતી વખતે તમારા ઈન્વેસ્ટમેન્ટ અને ખર્ચની વિગતો તમને તમારા એન્યૂઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ એટલે કે AISમાં મળી જશે. જેને ઈન્કમટેક્સ વિભાગની વેબસાઈટથી ડાઉનલૉડ કરી શકાય છે. તમે AISની એપ્લીકેશન ડાઉનલોડ કરી તેના પરથી પણ તમારું સ્ટેટમેન્ટ મેળવી શકો છો. આવકવેરા રિટર્ન ભરતા પહેલા AIS ચેક કરી લેજો, જેથી આવક અને ખર્ચ અથવા તો રોકાણ વચ્ચે કોઈ તફાવત ના રહે.
જો તમારો કપાયેલ TDS ફોર્મ 26AS સાથે મેળ ખાય છે, તો તમે રિટર્ન ફાઇલ કરી શકો છો. ફૉર્મ-16 મળે કે ના મળે, પરંતુ રિટર્ન ફાઈલ કરવું એ આપણી જવાબદારી છે. સાથે જ માત્ર રિટર્ન ફાઈલ કરી દેવાથી કામ નહીં થાય. રિટર્ન ભર્યા પછી તેને ઈ-વેરિફાય કરવાનું ના ભૂલતા. ઈ-વેરિફાય કર્યા વગરનું રિટર્ન અધૂરું માનવામાં આવશે અને ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તેનું પ્રોસેસિંગ નહીં કરે. તેની સાથે જ જો તમારું રિફંડ (Refund) હશે તો તે પણ અટકી જશે.