ખાનગી કંપનીમાં કામ કરતાં સુરેન્દ્રનગરના સુરેશ કોટકે ઓગસ્ટ 2021માં મકાન વેચ્યું હતું. આ સોદાથી તેમને 10 લાખ રૂપિયાનો નફો થયો, પરંતુ ટેક્સ (TAX) બચાવવાના ચક્કરમાં તેમણે આ ફાયદો પોતાના ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) એટલે કે આઈટીઆરમાં ના દર્શાવ્યો. આવી જ ભૂલ કરનારા સુરેશના મિત્રને જ્યારે ઈન્કમ ટેક્સ (INCOME TAX) વિભાગે નોટિસ ફટકારી તો સુરેશને પણ ચિંતા થવા લાગી. તો સુરેશ જેવા લોકો માટે જ સરકાર એક નવી વિન્ડો ખોલી રહી છે. જે લોકોની આવક કરપાત્ર છે અને તેમણે તેનો ખુલાસો આઈટીઆરમાં નહીં કર્યો હોય અથવા તેમનાથી કોઈ ભૂલ થઈ ગઈ હશે તો તેવા લોકો હવે દંડ ભરીને સુધારેલુું રિટર્ન ફાઈલ કરી શકશે.
આ વિન્ડો દ્વારા કરદાતા પોતાની ભૂલો સુધારી પણ શકે છે. તેના માટે તેમને બે વર્ષનો સમય આપવામાં આવ્યો છે. જો તેમણે ટેક્સ ભરવાનો થતો હશે તો તેઓ બે વર્ષ જૂના રિટર્ન પણ ફાઈલ કરી શકશે, પણ તેના માટે દંડ ભરવો પડશે. ઉદાહરણ સાથે સમજીએ, વર્તમાન વ્યવસ્થા હેઠળ, સુરેશ 31 માર્ચ, 2022 સુધી 5,000 રૂપિયાનો દંડ ભરીને સુધારેલુ રિટર્ન ફાઈલ કરી શકે છે. પરંતુ ત્યારપછી તેની પાસે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. પણ હવે નવી વ્યવસ્થા હેઠળ, કરદાતા છેલ્લી તારીખ વીત્યાના બે વર્ષ પછી પણ સુધારેલુ રિટર્ન ભરી શકશે. જો કોઈ વ્યક્તિએ ટેક્સ ચૂકવવાનો થતો હશે અને તેણે રિટર્ન નહીં ભર્યું હોય તો, તે પણ દંડ સાથે રિટર્ન ફાઈલ કરી શકશે.
ફાઈનાન્સ બિલ પ્રમાણે, જો કરદાતા છેલ્લી તારીખ પછીના એક વર્ષની અંદર સુધારેલુ રિટર્ન ફાઈલ કરશે તો તેણે કુલ ટેક્સ અને વ્યાજ પર 25 ટકા દંડ ભરવાનો થશે. જો છેલ્લી તારીખ વીતી ગયાના એક વર્ષ પછી અને 24 મહિના પહેલાં રિટર્ન ફાઈલ કરશો તો, 50 ટકા દંડ ચુકવવો પડશે. સ્વૈચ્છિક કર આકારણી હેઠળ, ટેક્સ પર માસિક એક ટકાના દરે વ્યાજ ચુકવવું પડશે.
પરંતુ અપડેટેડ રિટર્નનો ઊંધો મતલબ કાઢવાની ભૂલ ન કરી બેસતા. તેનો અર્થ એવો નથી કે, તમને બે વર્ષનો વધારાનો સમય મળી રહ્યો છે. તે અમુક ખાસ લોકોને જ મળશે અને કયા લોકોને આ સુવિધાનો ફાયદો નહીં મળશે તે સમજીએ. જે લોકોને ઈન્કમ ટેક્સ વિભાગ તરફથી નોટિસ મળી છે અથવા તેમનો કેસ સ્ક્રૂટિની હેઠળ છે, તો તેઓ આ અપડેટેડ રિટર્નનો ફાયદો નહીં લઈ શકે અને સુધારેલુ આઈટીઆર નહીં ભરી શકે. આવા કેસમાં ડિપાર્ટમેન્ટ નિર્ણય લે પછી જ ચૂકવણી થઈ શકશે. આવી જ રીતે, જો કોઈ વ્યક્તિએ રિફન્ડ લેવાનું હશે અથવા જેમને એવું લાગે છે કે, તેમનો ટેક્સ ઘટી ગયો છે અથવા તો હોમ લોન જેવી લોન માટે આઈટીઆરની જરૂર છે તો તેમને પણ આ સુવિધાનો લાભ નહીં મળે.
વાસ્તવમાં આ પહેલ પાછળ સરકારનો ઈરાદો છે કે, લોકો સ્વૈચ્છિક રીતે આગળ આવીને ટેક્સ ચૂકવે અને જો કોઈ વ્યક્તિથી અજાણતા ભૂલ થઈ ગઈ હોય તો તે વધારે માથાકૂટમાં પડ્યા વગર ભૂલ સુધારી લે.
ટેક્સ એક્સપર્ટ યતેન્દ્ર ખેમકા કહે છે કે, જે લોકોએ આવકના ખુલાસા કર્યા નથી, તેમણે આ સુવિધાનો લાભ ચોક્કસપણે લેવો જોઈએ. જો તમે તમારી આવક આઈટીઆરમાં બતાવી ના હોય તો નિશ્ચિતરૂપે તે ટેક્સ ચોરીનો મામલો છે. હવે તો તમારા પાન કાર્ડ સાથે તમારા તમામ આર્થિક વ્યવહારો જોડાયેલા હોય છે અને તેના પર ઈન્કમ ટેક્સ વિભાગ બાજનજર રાખે છે.
આમ, તમે ભલે અત્યારે ટેક્સ ચૂકવવામાંથી છટકબારી શોધી લો, પરંતુ ભવિષ્યમાં તમારે તેના માટે બહુ મોટી રકમ ચૂકવવાનો વારો આવશે. એટલે ભલાઈ એમાં જ છે કે, દંડ ભરીને તમામ પ્રકારની ચિંતાઓનો છેદ ઉડાડી દો.
મની નાઈનની સલાહ
પોતાનું આઈટીઆર સમયસર ભરો. તેના માટે છેલ્લી તારીખ સુધીની રાહ ક્યારેય ના જુઓ. રિટર્ન ભરતી વખતે કોઈ પણ પ્રકારની આવકને છુપાવવાનો પ્રયાસ ના કરો. ઈન્કમ ટેક્સ વિભાગની નજર તમારી તમામ આર્થિક લેવડદેવડ પર હોય છે. ટેક્સ ચોરી પકડાશે તો તમે મોટી મુશ્કેલીમાં મૂકાઈ શકો છો.
આ પણ જુઓ
આ પણ જુઓ