MONEY9: ઘર ખરીદવું છે? તો કેવી રીતે કરશો પૈસાનું પ્લાનિંગ? માર્જિન મનીની કેવી રીતે કરશો વ્યવસ્થા

| Edited By: | Updated on: Mar 31, 2022 | 5:13 PM

મોટાભાગના લોકો દેવું કરીને ઘર ખરીદવાનું સપનું પૂરું કરે છે. પરંતુ બધા લોકોને સરળતાથી હોમ લોન નથી મળતી. આથી, ઘર પસંદ કરતાં પહેલાં તેનું પેમેન્ટ કરવાની યોજના બનાવવી જરૂરી છે. તો પેમેન્ટનું આ પ્લાનિંગ કેવી રીતે કરવું, તે સમજવા માટે જુઓ અમારો વીડિયો.

વડોદરાની ફાર્મા કંપનીમાં કામ કરતાં મનીષ વાઘેલા પત્નીને લઈને મકાન જોવા ગયા. બંનેને એક મકાન ગમી પણ ગયું, પરંતુ બિલ્ડરે જ્યારે પેમેન્ટ પ્લાન (PAYMENT PLAN) વિશે પૂછ્યું તો મનીષ ખખડીને કશું ન બોલી શક્યો, કારણ કે, તેણે આવું કોઈ પ્લાનિંગ જ કર્યું નથી ને..! પ્રોપર્ટી (PROPERTY)ના આભ આંબતા ભાવને કારણે, દેવું કર્યા વગર ઘર ખરીદવું મોટાભાગના લોકો માટે શક્ય નથી. મહત્તમ લોકો દેવું કરીને જ ઘર (HOUSE) ખરીદવાનું સપનું પૂરું કરે છે અને તેનો પુરાવો છે, RBIના આંકડા.

RBIના આંકડા પ્રમાણે બેન્ક અને નાણાકીય સંસ્થાઓએ લગભગ 14 લાખ કરોડ રૂપિયાની હોમ લોન વસૂલવાની બાકી છે. IIFL હોમ ફાઈનાન્સના રિપોર્ટમાં તો એવો અંદાજ આપવામાં આવ્યો છે કે, આગામી બેથી 3 વર્ષમાં હોમ લોનનો આ આંકડો 15થી 18 ટકા વધી જશે. જો તમે પણ ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો તો, સૌથી પહેલાં નક્કર આયોજન કરી લો. મનગમતું ઘર શોધવામાં ઘણો સમય લાગી શકે છે, પરંતુ તેની પહેલાં જ આ સોદા માટે તમારે પેમેન્ટ પ્લાન બનાવી લેવો જરૂરી છે. સોદો કરવા માટે પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરવી તેની સમગ્ર યોજના પહેલેથી સ્પષ્ટ હોવી જરૂરી છે.

તમારો ક્રેડિટ સ્કોર પહેલેથી જાણી લો

તમે જ્યારે હોમ લોન માટે અરજી કરો, ત્યારે બેન્ક તમારી ક્રેડિટ હિસ્ટ્રીની તપાસ કરે છે. આર્થિક લેવડદેવડના મોરચે તમે કેટલા સારા કે ખરાબ છો, તેની ખબર ક્રેડિટ હિસ્ટ્રીથી પડી જાય છે અને તેના આધારે જ ઋણ આપનાર સંસ્થા લોન આપવી કે નહીં, તેનો નિર્ણય લે છે. આથી, ઘર ખરીદવાનું પ્લાનિંગ કરતી વખતે સૌથી પહેલાં પોતાની ક્રેડિટ હિસ્ટ્રી જાણી લો, જેથી પોતાના સાચા ક્રેડિટ સ્કોરનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. તમારો ક્રેડિટ રિપોર્ટ ખરાબ હોવા પાછળ ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે. કોઈ ખરાબ લેવડદેવડને કારણે તમારી ક્રેડિટ હિસ્ટ્રી અને ક્રેડિટ સ્કોર પર નેગેટિવ અસર પડે છે. જ્યાં સુધી ક્રેડિટ રિપોર્ટ સારો નહીં હોય, ત્યાં સુધી લોન લેવામાં મુશ્કેલી પડશે. જો તમારા રિપોર્ટમાં આવી કોઈ લેવડદેવડ બોલતી હોય તો તેમાં સુધારો કરવા માટે સિબિલની સાથે સાથે, બેન્કનો પણ સંપર્ક કરવો પડશે. આ પ્રક્રિયામાં થોડાઘણા દિવસો લાગી શકે છે, આથી પહેલેથી જ સિબિલ રિપોર્ટ મેળવી લેવો જરૂરી છે.

કેટલી લોન મળશે તે જાણી લો

તમે નક્કી કરી જ લીધું હોય કે ગમે તે થાય ઘર તો ખરીદવું જ છે તો ઘર પસંદ કરો તેની પહેલાં પણ હોમ લોન માટે અરજી કરી શકો છો. જો એક વાત સુનિશ્ચિત થઈ જાય કે તમારી ક્રેડિટ હિસ્ટ્રી સારી છે અને સ્કોર પણ ઊંચો છે તો અગાઉથી જ હોમ લોન મંજૂર કરાવીને રાખો. આવું કરવાથી તમને એટલી તો પહેલેથી જ ખબર પડી જશે કે કેટલી હોમ લોન મળી શકે એમ છે. આથી, કેટલા બજેટનું ઘર ખરીદવું અને લોન સિવાયના કેટલા પૈસાની વ્યવસ્થા જાતે કરવી પડશે, તે પહેલેથી જ નક્કી થઈ જશે.

હોમ લોન પ્રિ-એપ્રૂવ કરાવી લો

જો તમે પહેલેથી જ લોન મંજૂર કરાવી લીધી હશે તો પ્રોપર્ટી વેચનારને પણ સરળતા રહેશે. તેને ભરોસો આવી જશે કે તમારી પાસે પૈસાની વ્યવસ્થા છે. એટલે તે તમને ડિસ્કાઉન્ટ આપી શકે છે પણ યાદ રાખજો, પ્રિ-એપ્રૂવ્ડ હોમ લોનની માન્યતા ચોક્કસ સમયગાળા પૂરતી હોય છે. પ્રિ-એપ્રૂવ્ડ લોનને કારણે સસ્તામાં લોન લેવાનો નિર્ણય લેવામાં તમને મદદ મળશે. હાથ પર પૈસા હશે તો સસ્તામાં સોદો થઈ શકે છે. તમને નેગોશિએશન કરવાનો અવકાશ પણ મળી રહેશે.

હોમ લોન સિવાય કેટલી વ્યવસ્થા કરવી પડશે

એક વખત ઘરનું બજેટ નક્કી થઈ જાય અને કેટલી હોમ લોન મળી રહી છે, તેની ખબર હોય તો તમને બાકીના પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરવી તેનો સચોટ ખ્યાલ આવી જશે. માર્કેટની ભાષામાં તેને માર્જિન મની કહે છે. સામાન્ય રીતે બેન્કો પ્રોપર્ટી-મૂલ્યના 80 ટકા સુધીની લોન આપે છે. આથી, તમારે આ સિવાયની રકમ તેમજ અન્ય ખર્ચા જેવા કે સ્ટેમ્પ ડ્યૂટી, દસ્તાવેજ વગેરેને પણ ગણતરીમાં લેવા જોઈએ અને તેની વ્યવસ્થા કરવી જોઈએ.

મની નાઈનની સલાહ

શક્ય છે કે, ઘર ખરીદવા માટે તમે પહેલેથી ક્યાંક બચત કરી હશે. આ બચત અલગ-અલગ સ્કીમમાં કરીને રાખી હશે. આથી, આ બચતના પૈસા ઉપાડીને એક બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરી દો, કારણ કે, માર્જિન મની ચૂકવવા માટે તેની જરૂર પડશે. જો શેરબજારમાં કે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોક્યા હોય તો યોગ્ય તક ઝડપીને જ પૈસા ઉપાડવા જોઈએ. આ પૈસા હાથમાં આવી જાય, ત્યારબાદ નિર્ણય લો કે, કેટલી હોમ લોન લેવી અને ક્યાંથી લેવી.

આ પણ જુઓ

ઘર ખરીદતી વખતે શા માટે જરૂરી છે કાનૂની સલાહ?

આ પણ જુઓ

જો બેન્ક તમને ડિફોલ્ટર જાહેર કરે, તો કયા વિકલ્પ અપનાવશો?