MONEY9 : ક્યાંક તમે ગેરકાયદે લોન એપની જાળમાં તો નથી ફસાઇ ગયા ને !

| Edited By: | Updated on: Mar 22, 2022 | 7:11 PM

ઔપચારિક બેંકિંગ સિસ્ટમાં નાની રકમની લોનનો વિકલ્પ છે જ નહીં. એટલે ફટાફટ ઑનલાઇન લોન આપનારી ડિજિટલ એપ તરફ લોકો આકર્ષાય છે. પરંતુ આવી એપ પાસેથી લોન લેવી એટલે મોટી મુસીબતને આમંત્રણ આપવું.

બે મિનિટની ઝટપટ નૂડલ્સની જેમ બે મિનિટમાં ઝટપટ લોન. ન CIBIL રિપોર્ટની જરૂરિયાત, ન ડૉક્યુમેન્ટ્સની પૂછપરછ. ગણતરીની મિનિટોમાં એકાઉન્ટમાં ક્રેડિટ થઇ જશે લોન. 5 હજારથી લઇને 5 લાખ રૂપિયા સુધીની લોન ફક્ત ચપટી વગાડતાં અને તે પણ ઘેર બેઠા. જો તમે ગૂગલ પ્લે સ્ટોરમાં જઇને ઇન્સટન્ટ લોન (INSTANT LOAN) માટે સર્ચ કરશો તો હજારો વિકલ્પ સામે આવી જશે. ભારતમાં એપ દ્વારા લોન આપનારાનું જાણે કે ઘોડાપુર આવી ગયું છે અને આવી સ્થિતિ ત્યારે છે જ્યારે આરબીઆઇ (RBI) આ પ્રકારની લોન (LOAN) આપતી એપ્સ પર બારીકાઇથી નજર રાખી રહી છે. તે આ પ્રકારની 650 એપ્સને ગેરકાયદે પણ જાહેર કરી ચૂકી છે.

આરબીઆઇ બાદ ગૂગલે પણ પોતાના પ્લે સ્ટોરમાંથી આ પ્રકારની લગભગ 100 એપને હટાવી દીધી છે. પરંતુ મોટા નફાની લાલચમાં એક એપ બંધ થાય ત્યાં તો બીજી બે એપ લોન્ચ થઇ જાય છે. RBIના આંકડા અનુસાર ડિજિટલ પ્લેટફોર્મથી ઑનલાઇન લોન લેનારાનો આંકડો ફક્ત 3 વર્ષમાં જ 12 ગણો થઇ ગયો છે. વર્ષ 2017માં ડિજિટલ લોનની સાઇઝ 11 હજાર 671 કરોડ રૂપિયાની હતી. વર્ષ 2018માં આ પ્લેટફોર્મ દ્વારા 29 હજાર 888 કરોડની લોન આપવામાં આવી. વર્ષ 2019માં લોનનો આ આંકડો વધીને 72 હજાર 663 કરોડ અને 2020માં વધીને લગભગ 1.42 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો.

આ કેવી રીત છે… ?
પોતાની લોન ચૂકવી દો નહીંતર તમારા મિત્રો, પરિવારજનો અને સગાસંબંધી સાથે વાત કરીશું.. તમારી ફોનની ગેલેરીમાંથી ફોટો પોર્ન સાઇટમાં અપલોડ કરી દઇશું. આ પ્રકારના કેસોમાં છેલ્લા બે વર્ષમાં ઉત્પીડનથી લઇને સુસાઇડ સુધીની ઘણી ઘટનાઓ સામે આવી છે. MBAની એક વિદ્યાર્થીનીથી લઇને માયાનગરીના મશહૂર લેખકની આત્મહત્યાના સમાચાર બહાર આવ્યા… જરા વિચારો…આટલા મજબૂર કોઇને કેવી રીતે કરી શકાય?

ડિજિટલ લોન કેવી રીતે બને છે રસ્તાનો કાંટો?
ડિજિટલ લોનના વ્યાજ દર ઘણાં ઊંચા હોય છે. જો ચુકવણીમાં મોડું થાય તો વ્યાજ પર વ્યાજ અને દંડ મળીને ઘણી મોટી રકમ થઇ જાય છે. આ રીતે ઘણીવાર 10 હજાર રૂપિયાની સામાન્ય લોન વધીને લાખ રૂપિયાની થઇ જતી હોય છે. લેણદાર તરફથી વસૂલીનું દબાણ, ચઢતું વ્યાજ અને ઉપરથી લેટ ફી. આનાથી દબાણમાં આવીને વ્યક્તિ એક લોનથી છુટકારો મેળવવા માટે બીજી અને પછી ત્રીજી લોન લઇ લેતો હોય છે. આ રીતે તે મોંઘી લોનની જાળમાં ફસાઇ જાય છે.

કેવી રીતે બને છે દબાણ?
લોન આપનારા એપ ડાઉનલોડ કરતી વખતે ફોનબુક અને ફોટો ગેલેરીની પરમિશન માંગે છે. તેના વગર એપ ડાઉનલોડ જ નહીં થાય. આ જ તો છે ડિજિટલ દાદાગીરીનો આધાર. ફોટાનો દુરૂપયોગ અને ફોનબુકમાં તમારા દોસ્ત, પરિવારજનો, માં-બાપથી લઇને સાસુ-સસરા કે પછી બોસને મેસેજ અને કૉલની ધમકી…. તમારૂ જીવવાનું હરામ કરી શકે છે. સાઇબર ક્રાઇમના તપાસ અધિકારી રીતેશ ભાટીયા જણાવે છે કે તેમની પાસે સતત લેંડિંગ એપ સાથે જોડાયેલા સાઇબર બુલિંગના કેસો આવી રહ્યાં છે. જો કોઇ એપ તમને ફોન બુક અને ફોટો ગેલેરીની પરમિશન માંગે તો તેને ડાઉનલોડ ન કરવી જોઇએ.

મની9ની સલાહ
રિઝર્વ બેંક જ્યાં સુધી આવી એપ્સને લઇને પોતાના દિશા-નિર્દેશ લાગુ ન કરે ત્યાં સુધી તમારે તમારી સુરક્ષા જાતે જ કરવી પડશે. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તમારે આ પ્રકારની લોન લેવાથી બચવાના પ્રયાસ કરવા જોઇએ.

આ પણ જુઓ

લોન લેવામાં ક્રેડિટ સ્કોરનું કેટલું છે મહત્વ?

આ પણ જુઓ

કેમ બધાને અલગ-અલગ વ્યાજ દરે મળે છે લોન?