Rain Video : જૂનાગઢમાં ભારે વરસાદ બાદ પણ ઘેડ પંથકના 10થી વધુ રસ્તાઓ જળમગ્ન, નદીઓમાં ઘોડાપૂર આવતા કોઝ-વે બંધ કરાયો
જૂનાગઢ અને પોરબંદરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. જેના પગલે કેટલાક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. તો બીજી તરફ નદીઓમાં ઘોડાપૂર આવતા કોઝ-વે પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જૂનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. ઓસા, ફુલરામા, નવાગામ, મોચામાં સહિતના ઘેડ પંથકના ગામોમાં પાણી ભરાયા છે. ઘેડ પંથકના 10થી વધુ ગામના માર્ગ જળમગ્ન થયા છે. ધોધમાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે.
નદીઓમાં ઘોડાપૂર આવતા કોઝ-વે બંધ કરાયો
જૂનાગઢના માળીયા હાટીનામાં ભારે વરસાદ બાદ પણ મેઘલ અને વ્રજમી સહિતની નદીઓમાં ઘોડાપૂર આવ્યુ છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડ્તા સ્થાનિક નદીઓ બે કાંઠે વહી રહી છે. જેથી વડિયા ગામ પાસે આવેલો કોઝ- વે પાણીમાં ગરકાવ થયો છે. કોઝ – વે પર પાણી ફરી વળતા લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
દ્વારકાના બજારોમાંથી નથી ઓસર્યા પાણી
બીજી તરફ દ્વારકામાં બે દિવસ ભારે વરસાદ વરસ્યો છે. આજે દ્વારકામાં વરસાદ ન હોવા છતા પણ કેટલાક વિસ્તારોમાંથી પાણી ઓસર્યા નથી. ભદ્રકાલી ચોક, ત્રણ બત્તી અને રબારી ગેટ વિસ્તારમાં પાણી ભરાયા છે. વરસાદ બંધ હોવા છતા પણ બજારો જળમગ્ન થયા છે. દ્વારકાના બજારોની હાલત કફોડી છે.