ખાનગી ટ્યુશન કલાસીસ માટે સરકારની ગાઈડલાઈન, 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને ‘નો એન્ટ્રી’, કોચિંગ ક્લાસને કરાવવું પડશે 3 મહિનામાં રજિસ્ટ્રેશન
રાજ્યમાં ખાનગી ટ્યુશન ક્લાસિસ માટે સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પડાઈ છે. જેમા મુજબ 16 વર્ષથી નાની ઉમરના વિદ્યાર્થીઓને ટ્યુશન ક્લાસિસ પ્રવેશ નહીં આપી શકાય. આ ઉપરાંત દરેક ખાનગી ટ્યુશન ક્લાસિસે ત્રણ મહિનાની અંદર રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત રહેશે. જો એક વિદ્યાર્થીને ભણાવે તો પણ તેનુ રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત કરાયુ છે.
દેશમાં વિદ્યાર્થીઓના આત્મહત્યાના વધી રહેલા કિસ્સાઓ વચ્ચે સરકારે કોચિંગ સેન્ટર માટે ગાઇડલાઇન જાહેર કરી છે. કોચિંગ સેન્ટરોની મનમાની પર લગામ મૂકવા અને આત્મહત્યાના વધતા કિસ્સા ઘટાડવા કડક ગાઈડ લાઈન બનાવી છે. જેને લઈને રાજ્યમાં ટ્યુશન સંચાલકોની નારાજગી સામે આવી છે. આ ગાઈડલાઈનમાં 16 વર્ષથી નાની વયના વિદ્યાર્થીને ટ્યુશન કલાસીસમાં એડમિશન મળશે નહીં.
ફી અને કેટલા કલાક સુધી ટ્યૂશન આપવા તેમજ નિયમ ભંગ કરનારને દંડ ફટકારવાની જોગવાઇ છે. જેની સીધી અસર રાજ્યના 50 હજારથી વધુ નાના મોટા કોચિંગ ક્લાસ પર થશે. જેને લઈને ટ્યુશન કલાસીસના સંચાલકોમાં નારાજગી છે. ત્યારે સંચાલકો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે અને સરકાર પાસે આ ગાઈડલાઈનમાં સુધારાની માગ કરી રહ્યા છે.
કોચિંગ ક્લાક માટે વિદ્યાર્થીઓની ઉંમર મર્યાદા 16 ના બદલે 10 કરવાની માગ
સંચાલકોની માગ વિશે વાત કરીએ તો ટ્યુશન કલાસીસમાં 16 વર્ષના વિદ્યાર્થીઓની ટ્યુશનની ઉંમરની મર્યાદાને બદલે 10 વર્ષ કરવામાં આવે. જેથી વિદ્યાર્થીઓનો પાયો પણ પાકો થઈ શકે. એક વિદ્યાર્થી પણ ભણાવે તો તેનું પણ રજિસ્ટ્રેશન કરાવવુ જોઇએ. સંચાલકોને રજીસ્ટ્રેશનની ફીમાંથી મુક્તિ આપવામાં આવે. આ ઉપરાંત જે સ્કૂલમાં ભૂતિયા વિદ્યાર્થીઓ નોંધાઈ રહ્યા છે, તેની સામે કાર્યવાહી કરવાની પણ માગ કરી. જગ્યાનું માપદંડ દૂર કરવા અને કોચિંગ ક્લાસને લીઝ પર જમીન સહિતના લાભો આપવા માગ કરી હતી.
ટ્યુશન કલાસીસના સંચાલકોએ જો આ માગ ન સ્વીકારાય તો કોર્ટના શરણે જવાની ચીમકી ઉચ્ચારી છે. આ મુદ્દે ટ્યુશન સંચાલકો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરશે. ત્યારે હવે સરકાર ટ્યુશન કલાસીસના સંચાલકોની માગ સ્વીકારે છે નહીં તે જોવું રહ્યું.