રાજ્યમાંથી ચાઈલ્ડ તસ્કરીને નાથવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ઉપરાંત મહિલા ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમ દ્વારા રાજ્યના અલગ અલગ વિસ્તારમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતુ. સર્ચ ઓપરેશનમાં મળેલા બાળકો અને તેમના વાલીઓની પૂછપરછના આધારે એજન્ટો અને નેટવર્કનો પર્દાફાશ થયો છે.
અમદાવાદમાં ઠેર – ઠેર સિગ્નલો પર ભીખ માગવા માટે ઉભા રહેતા બાળકોને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભીખ મંગાવવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. રાજસ્થાનથી બાળકો લાવીને ભીખ મંગાવવા માટે લાવતા બે એજન્ટને ઝડપ્યા છે. એસ. જી. હાઈવે અને સીજી રોડ પર બાળકો પાસે ભીખ મંગાવતા હોવાનો ખુલાસો થયો છે.
આરોપીઓ એક બાળક પાસેથી દૈનિક 150 રુપિયા વસૂલતા હતા. જ્યારે બાળક પરિવાર સાથે અથવા અન્ય બાળકો સાથે ભીખ માંગતા હોય તો તેમની પાસેથી 500 રુપિયા વસૂલતા હતા. અગાઉ બાળકો પાસેથી ભીખ મંગાવનારા સામે ગુનો દાખલ કરાયો હતો.
લાંબા સમયની તપાસ બાદ 2 એજન્ટ પકડવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. તેમજ રાજસ્થાન સિવાય અન્ય રાજ્યમાંથી પણ બાળકો લાવવામાં આવતા હતા કે નહીં, આ ઉપરાંત બાળકોને ગુજરાતમાં લાવી ક્યાં મોકલવામાં આવતા હતા. તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.