વડોદરામાંથી ઝડપાયો 22 લાખ રુપિયાનો હાઈબ્રીડ ગાંજો, 20 વર્ષીય આરોપીની ધરપકડ, જુઓ Video
વડોદરામાંથી 22 લાખ રૂપિયાનો હાઈબ્રીડ ગાંજો ઝડપાતા ચકચાર મચી ગઈ છે. પોલીસે 20 વર્ષીય આદિબ નામના શખ્સની ધરપકડ કરી છે. તેની પાસેથી 734 ગ્રામ ગાંજો મળ્યો છે. આ ગુનામાં આરોપીનો પિતા પણ સંડોવાયેલો હોવાની શંકા છે, જે પહેલા પણ ગાંજાના કેસમાં પકડાયો હતો. પોલીસ ગાંજાના વિદેશી કનેક્શનની તપાસ કરી રહી છે.
ગુજરાતમાંથી નશાનો કારોબાર મળવાનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદ બાદ વડોદરામાંથી પણ હાઈબ્રીડ ગાંજો પકડાયો છે. લાખો રુપિયાના હાઇબ્રીડ ગાંજા સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જે પહેલા પણ નશાના વેપારમાં ઝડપાઇ ચુક્યો છે. તે સ્પેશ્યલ ઓપરેશન ગૃપના હાથે ઝડપાયો છે. પોલીસે આ મામલે અબ્દુલ ઇબ્રાહિમ પટેલને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.
બાતમીના આધારે પાડવામાં આવી હતી રેડ
SOGના પી.આઇ એસ.ડી. રાતડાને માદક પદાર્થના વેચાણ અંગે બાતમી મળી હતી. તાંદલજા વિસ્તારમાં આવેલી બેસીલ સ્કુલ સામેના શકીલપાર્ક સોસાયટીમાં રહેતો આદીબ અબ્દુલ પટેલ ગાંજાનું વેચાણ કરતો હોવાની માહિતી મળી હતી. પરિણામે પોલીસની ટીમ આદીબના ઘરે ત્રાટકી હતી. જ્યાં તેમણે સર્ચ આપરેશન હાથ ધરતા કૂલ 734 ગ્રામ વિદેશી હાઇબ્રીડ ગાંજાના જથ્થો મળી આવતા પોલીસે આદીબને ઝડપી પાડ્યો હતો.
આરોપીએ સુરતથી ગાંજો લાવ્યાની કરી કબુલાત
દેશમાં ભાગ્યે જ મળતા હાઇબ્રીડ ગાંજાનો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો તે અંગે ઝડપાયેલા આરોપીની પુછપરછ કરી હતી. આરોપીએ સુરત ખાતેથી આ જથ્થો લાવવામાં આવ્યો હોવાની કબુલાત કરી હતી. પોલીસે 734 ગ્રામ હાઇબ્રીડ ગાંજો જેની કિંમત રૂ. 22,02,000 લાખ આંકવામાં આવી છે. આ સાથે મોબાઇલ ફોન અને અન્ય વસ્તુઓ મળી પોલીસે કૂલ રૂ.22,43,700ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
દેશી ગાંજો 10 હજાર રૂપિયામાં એક કિલો મળે છે, હાઇબ્રીડ કિલોના 30 લાખ રૂપિયા હોય છે. શરીરના કોઈ પણ ભાગનો અસહ્ય દુખાવો નાથવા કે નાની શસ્ત્રક્રિયા માટે વિદેશોમાં એનો ઉપયોગ થાય છે. પેઈન કિલર કરતા એની આડ અસર નહિવત હોવાથી વિદેશોમાં ભાવ વધુ છે. જોકે ઓછી ગંધ અને લાંબા સમય સુધી નશો રહેતો હોવાથી માદક પદાર્થનાં બંધાણીઓમાં એની માંગ વધારે હોય છે. જેના કારણે દેશી ગાંજો એક કિલોના 10,000 હોય છે અને હાઇ બ્રીડ ગાંજાના એક કિલોનો ભાવ 30 લાખ હોય છે. એટલે કે એનો ભાવ 300 ગણો વધુ હોવા છતાં શોખીનો મો માંગ્યા ભાવે ખરીદે છે અને બંધાણીઓ એનું સેવન કરે છે.
પોલીસના જણાવ્યા અનુસાર, 2020માં આદીબના પિતા અબ્દુલ ઇબ્રાહીમ પટેલના ઘરે રેઇડ કરતા ગાંજા સાથે તેની ધરપકડ કરી તેને જેલ ભેગો કરાયો હતો. છુટીને તે ફરી ગાંજો વેચતો હતો. ફેબ્રુઆરી 2024માં ફરી તેની ગાંજા સાથે ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તેનો પુત્ર પિતાની જેમ સાદો ગાંજો નહીં પણ વિદેશી હાઇબ્રીડ ગાંજાનું વેચાણ કરવાનું શરૂ કર્યું હતુ અને ઝડપાયો છે.