બોટાદ જિલ્લામાં એક એવુ ગામ છે. જ્યાં ધોધમાર વરસાદ પડતાની સાથે જ નદીમાં પાણીનો વધે છે. જેના પગલે ગામના સામે કાંઠે પહોંચવુ અશક્ય બને છે. ગામના કેટલાય વિદ્યાર્થીઓનું શિક્ષણ અટવાય છે. માલધારીઓને પણ હાલાકી વેઠવી પડે છે. ગામની નદી પર પુલ ન હોવાને કારણે તે લોકો 35 કિલોમીટરનો ફેરો ખાવા મજબૂર બને છે.
બોટાદ તાલુકાના લીંબોડા ગામે વરસાદ બંધ થવા છતા નદીમાં પૂરથી ગ્રામજનો પરેશાન છે. વરસાદ સમયે નદી પરથી પસાર થતા રસ્તા પર 15 ફૂટ જેટલું પાણી હોય છે. પૂરના પાણી ઓસર્યા છતાંય ડેમમાંથી સતત પાણી છોડાઇ રહ્યું છે. હાલ પણ ગામના બે ભાગોને જોડતા રસ્તા પર 7 ફૂટ જેટલું પાણી છે.
ગામનાં સામાં કાંઠે 80 જેટલા પરિવારો વસેલા છે. ગામની ઉચ્ચતર માધ્યમિક શાળા પણ સામાં કાંઠે આવેલી હોવાને કારણે 400થી વધુ વિદ્યાર્થીઓ છેલ્લા 10 દિવસથી શિક્ષણથી વંચિત છે. મોટાભાગના ગામના લોકોની ખેતીની જમીન પણ તે જ વિસ્તારમાં આવેલી છે.
ગામથી સામા કાંઠાનું સામાન્ય અંતર કાપવું અશક્ય બને છે. જેનાં માટે ગ્રામજનોએ અન્ય રસ્તે થઇ 30થી 35 કિલોમીટરનો ફેરો ખાવો પડે છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું અતિમહત્વનું તીર્થ લોયા પહોંચવાનો પણ આ જ રસ્તો હોવાને કારણે યાત્રાળુઓને પણ પરેશાનીનો સામનો કરવો પડે છે. આ જગ્યાએ પૂલ બને તેવી માગ ગ્રામજનો વર્ષોથી કરી રહ્યા છે.