હવે શાકભાજીના ભાવ આસમાને, બટાટા, ટામેટા, ડુંગળીના ભાવ વધતા ખોરવાયુ સામાન્ય માણસનું બજેટ- Video
શાકભાજીના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે.. એમાં પણ ત્રણ મહિનામાં ટામેટા અને ડુંગળીના ભાવમાં જબ્બર વધારો નોંધાયો છે અને આ ભાવ દિવાળી પહેલા નીચે આવે તેમ નથી. બટાકા, ટામેટા, ડુંગળી અને લસણના ભાવમાં ઘટાડો થવાનો તો દૂર એટલો વધારો થયો છે કે સામાન્ય માણસના ઘરનું બજેટ ખોરવાઇ ગયું છે.
ત્રણ મહિના પહેલાં ટામેટા 30 રૂપિયા કિલો મળતા હતા એ હવે હોલસેલમાં 80 રૂપિયા અને રિટેઇલમાં 120 રૂપિયા કિલો મળે છે. બે મહિનાથી કાંદાના ભાવ 50-60 અને 70 જ રહ્યાં છે. જ્યારે બટાકાના ભાવ 25 હતા એ 60 રૂપિયે પહોંચ્યા છે. શાકભાજીની કિંમતો વધવાના કારણોની વાત કરીએ તો સૌ પ્રથમ તો હવામાન, બીજું સંગ્રહની સમસ્યા અને ત્રીજું પુરવઠા સંબંધિત સમસ્યાઓ ઘણી વખત ભારે હવામાનને કારણે તેના પાકને અસર કરે છે. જેના કારણે તે ઝડપથી બગડી જાય છે. બીજી તરફ કોલ્ડ સ્ટોરેજના અભાવની પણ અસર જોવા મળે છે. અન્ય કારણોસર તેનો સંગ્રહ શક્ય નથી આવા સંજોગોમાં તે ઝડપથી બગડી જાય છે.
અન્ય કારણોની વાત કરીએ તો સપ્લાય ચેઇનની પણ મોટી અસર થતી હોય છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જ્યારે તેમનું ઉત્પાદન ઓછું હોય છે ત્યારે સિઝન દરમિયાન તેમની કિંમતોમાં વધારો થાય છે. તે જ સમયે, સિઝનમાં જ્યારે ઉપજ વધુ હોય છે, ત્યારે કિંમત ઓછી હોય છે. ઘણી વખત ખેડૂતોને તેમનો પાક ફેંકી દેવો પડે છે કારણ કે તેને ખરીદવા માટે કોઈ ન હોય. માંગ અને પુરવઠામાં વધઘટને કારણે કિંમતો પર પણ અસર થાય છે.
જો શાકભાજીના ભાવ પર નજર કરીએ તો ટામેટા અને કોથમીરના ભાવમાં પણ ઉછાળો થયો છે. ટામેટા 80 થી 100રૂપિયા કિલો મળી રહ્યા છે જ્યારે બટાકા 60 રૂપિયા કિલો, કાંદા 100 રૂપિયા કિલો છે. કોથમીર હાલ 160 રૂપિયા કિલો મળી રહી છે. લસણ 400 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે. તુવેર 160 રૂપિયા, વટાણા 240 રૂપિયા, કોબીજ 60 રૂપિયા કિલો મળી રહી છે. દિવાળી બાદ શાકભાજીના ભાવમાં ઘટાડો થાય તેવી વેપારીઓને આશા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો