રાજકોટમાં કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાને દુ:શાસન સાથે સરખાવતા વિવાદ, કહ્યુ દિલ્હીના લોકો બની બેઠા છે ધૃતરાષ્ટ્ર- Video
રાજકોટમાં રૂપાલાના ક્ષત્રિયો અંગેના નિવેદનનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં કોંગ્રેસની રેલીમાં પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે વિવાદી નિવેદન આપ્યુ છે. દૂધાતે પરશોત્તમ રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી, આટલેથી ન અટક્તા તેમણે કહ્યુ દિલ્હીના લોકો ધૃતરાષ્ટ્ર બની બેઠા છે.
ચૂંટણી આવતા જ નેતાઓ તેમની જીભ પરનુ નિયંત્રણ જાણે ગુમાવી બેસે છે. રાજકોટમાં પહેલા ક્ષત્રિય સમાજ વિશે વિવાદી નિવેદન કરી પરશોત્તમ રૂપાલાએ ભાંગરો વાટ્યો છે. એ વિવાદ હજુ શમ્યો નથી ત્યાં કોંગ્રેસની રેલીમાં પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી દઈ વધુ એક વિવાદ છેડ્યો છે. દૂધાતે રૂપાલાને દુ:શાસન સાથે સરખાવતા કહ્યુ કે દિલ્હીના લોકો ધૃતરાષ્ટ્ર બની બેઠા છે.
જો કે આ તરફ ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે પ્રતાપ દૂધાતને સણસણતો જવાબ આપતા કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન જ કૌરવોની સેના છે. કોંગ્રેસ પરશોત્તમ રૂપાલાને જેટલી ગાળો આપશે, રૂપાલા એટલા જ મજબૂત બનશે.
રાજકોટમાં હાલ બરાબરનો રાજકીય ગરમાવો આવી ગયો છે. ક્ષત્રિયોના વિરોધ બાદ રાજકોટ બેઠક પર કોંગ્રેસને સમર્થનની વાત હોય કે પછી ફરી વિવાદિત ટિપ્પણીઓની વાત હોય, એવુ લાગે છે કે રાજકોટ બેઠક પર હાઈવોલ્ટેજ ડ્રામા આગામી દિવસોમાં હજી પણ જોવા મળી શકે છે
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો